પોરબંદરઃ ઘણા પરિવારમાં માતાની આજ્ઞાને ગણકારવામાં આવતી હોય છે. માતાની મમતા અને હૂંફ હંમેશા તેમના બાળકો સાથે રહેલી હોય છે. ઘરમાંથી બહાર જતી વખતે બાળકને પોતાની માતા અનેક સૂચનો આપતી હોય છે. હાલ કોરોનાની પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે અનેક પરિવારના અનુભવમાંથી ઘણા લોકોને નવી શીખ મળે છે. પોરબંદરના એક પરિવારની વાત કરવામાં આવે તો, શહેરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજુ ગીરી ગોસ્વામીના પરિવારમાં પત્ની જ્યોતિબેન અને ત્રણ પુત્રી નિકિતા, સ્વાતિ, આરતી અને એક પુત્ર યશ ખુશીથી જીવન વિતાવતા હતા. જેમાં તેમની એક પુત્રી નિકિતા દુબઈ નોકરી કરતી હતી, પરંતુ કોરોના મહામારીના પગલે 22 માર્ચના રોજ તે દુબઈથી ભારત પરત ફરી હતી અને પોરબંદર આવી હતી.
મેડિકલ તપાસમાં નિકિતા સંપૂર્ણ રીતે સ્વસ્થ જોવા મળી હતી, પરંતુ તેના પરિવારમાં તેની માતા જ્યોતિબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાંભળતાની સાથે જ જ્યોતિબેન સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને એક તરફ શું કરવું જેવા પ્રશ્નો સતાવતા હતા, તો બજી તરફ મોત નજીક હોવાનો ડર સતાવતો હતો.
જ્યોતિબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના થોડા દિવસ બાદ તેની દીકરી સ્વાતિ ગોસ્વામીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી સમગ્ર પરિવાર વધુ ચિંતામાં મૂકાયું હતું.
જ્યોતિબેનના જણાવ્યા અનુસાર પોઝિટિવ આવ્યા બાદ તેમને ઉધરસ તાવ કે કોઈપણ અન્ય પ્રકારના લક્ષણો જોવા નહોતા મળ્યા. આથી તેમની તબીબી સારવાર પણ સામાન્ય ચાલતી હતી. ગત 15 વર્ષથી જ્યોતિબેન યોગા અને પ્રાણાયામ કરતા આવ્યા છે. જે તેમણે આઈસોલેશન વોર્ડમાં પણ શરૂ રાખ્યા અને આ સમયે તેમની પુત્રી સ્વાતિ પણ તેમની સાથે હતી. જેથી જ્યોતિબેને પોતાના પુત્રી શ્વાતિને વિશ્વાસ આપ્યો કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ લડવાની જરૂર છે.