ખાંડ, ગોળની જનેતા એવી શેરડી રસ અને મીઠાશથી ભરપુર હોય છે. રસની મીઠાશ કોને વ્હાલી ના હોય ? નાના બાળકોથી માંડીને વૂધ્ધો સુધી તમામ વર્ગ બરફના ગોલા અને શેરડીના રસનો ચાહક હોય છે.પોરબંદરની ગલીઓમાં, રસ્તા પર ભર બપોરે ધગધગતા તાપને પડકારતા રસના સીચોડા, બરફની લારીઓથી અસંખ્ય શ્રમજીવીઓને સીધી અને આડકતરી રોજગારી મળે છે.
પોરબંદરમાં શેરડીનો રસ પીને તાજગી અનુભવતા લોકો - gujaratinews
પોરબંદર: શહેરમાં ઠેર ઠેર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાઇ રહ્યો છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો સૂરજનો તાપ ધીમો પડતા સાંજના સમયે ઘરની બહાર નિકળીને ઠંડક મેળવવા માટે બરફના ગોલા, શરબત, શેરડીનો રસ પીને તાજગી અનુભવતા હોય છે.
પોરબંદર શહેરમાં એરપોર્ટ રોડ, કમલાબાગ, બસસ્ટેશન, મોટા ફુવારા, ચોપાટી, ખીજડી પ્લોટ, સુદામા ચોક સહિત શહેરની વિવિધ જગ્યાઓ પર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાય છે. બસ સ્ટેશન પાસે શેરડીના રસનું સેન્ટર ધરાવતા દિનેશભાઇ ચામડીયાએ જણાવ્યુ કે, ઉનાળાના ખાસ બે મહિના અને વેકેશનનો એક મહિના દરમિયાન શેરડીના રસનું સારૂ વેચાણ થાય છે. દરરોજ ત્રણ મણ જેટલી શેરડીના રસનુ વેચાણ થાય છે. રસમાં વપરાતો બરફ આર.ઓ. પ્લાન્ટનો હોય છે. જેથી ગ્રાહકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે.
કમલાબાગ પાસે ગોલા અને સરબતની લારી ધરાવતા ભાનુશંકરભાઇ પુરોહિતએ જણાવ્યું કે, ગોલા અને સરબત બનાવવામાં વપરાતો બરફ આર.ઓ. પ્લાન્ટનો હોય છે. ગોલાનું વેચાણ સાંજના સાત વાગ્યા પછી થાય છે. વેકેશન અને ઉનાળો હોવાથી સારા પ્રમાણમાં ગોલા વેચાય છે. આ ઉપરાંત, શહેરમાં માટલા કુલ્ફી, ક્રીમ કુલ્ફીના ફેરિયાઓ ગલીગલીમાં ફરીને લોકોને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે.