દરિયાઇ મોજાથી તુટી ગયેલા પાળાનું સિંચાઇ વિભાગ દ્વારા કરાયું સમારકામ
પોરબંદરઃ પોરબંદરના કુછડી પાસે દરિયા કિનારે આવેલો કુદરતી પાળો “વાયુ” વાવાઝૉડાની અસરથી ઉદભવેલા દરિયાઇ મોજાનાં કારણે ૧૦/૧૫ મીટર તુટી ગયો હોવાની માહિતી ગ્રામજનો દ્વારા જિલ્લા વહિવટીતંત્રના અધીકારીઓને આપવામાં આવી હતી. જેના પગલે આ પાળાનું યુધ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરાયું હતું.
જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ સિંચાઇ વિભાગનાં બી.કે. વાલગોતર ધ્વારા તુટેલા પાળાનું મરામતકામ રાત્રે ૩ વાગે હાથ ધરી સવારે ૧૦ કલાકે પાળાનુ સમારકામ બે હિટાચી મશીન સતત કાર્યરત કરી પુર્ણ કરાયું હતું. તો બીજી તરફ પાળો તુટવાથી લોકોને ભય હતો કે, દરિયાનું ખારૂ પાણી મેઢાક્રિક કેનાલ વાટે પ્રવેશે તો કુછડી વિસાવાડા સહિતના ગામોના કુવાના પાણીના તળ ખારા થવાનો ભય હતો. પણ સિંચાઇ વિભાગ અને ગ્રામજનોના સહયોગથી તુટેલા પાળાનુ યોગ્ય સમયે મરામત કામ થઇ જતા ખેતરો અને કુવાઓમાં દરિયાનું પાણી ઘુસતા અટકી ગયુ હતુ તો કામગીરી પુરી થતા ગામ લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.