પોરબંદરઃ પોરબંદર જિલ્લામાંથી ગુમ/ અપહરણ થયેલા બાળકો/ મહિલા/ પુરુષોને શોધવા માટે પોરબંદરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્વયે 14 જૂનના રોજ બાપોદર ગામેથી દિવ્યાંગ અરજણભાઇ સાજણભાઈ મકવાણા તથા પોરબંદર કડિયા પ્લોટ વિસ્તારમાંથી દિવ્યાંગ શિતલબેન પુંજાભાઈ મારુ ગુમ થયા અંગે રાણાવાવ પોલીસ સ્ટેશન તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાહેરાત થયેલી હતી.
પોરબંદર પોલીસે લાપતા થયેલા દિવ્યાંગ યુવક-યુવતીને શોધી તેના પરિવારજનોને સોંપ્યાં
પોરબંદર જિલ્લામાંથી લાપતા/ અપહરણ થયેલા બાળકો/ મહિલા/ પુરુષોને શોધવા માટે પોરબંદરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાહેરાત મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ. સવદાસભાઈ ઓડેદરા, અક્ષય અગ્રાવત, ડી.ડી.વાઢીયા અને રણજિતભાઇ ડાંગર વગેરે સ્ટાફ દ્વારા જરુરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે બન્ને દિવ્યાંગ ભાઈ-બહેન કે જેઓ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક, બરછી ફેંક અને ચક્ર ફેંકમાં રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવતા ખેલાડીઓ હોય જેઓને કચ્છ જિલ્લા મુકામે મોટો રમતોત્સવ યોજાવાનો હોવાનું સાંભળવા મળતા પોતાના નામ નોંધાવવા માટે કચ્છ મુકામે ગયા હતા. ત્યાંથી તેઓને શોધીને પરત બોલાવી તેમના પરિવારજનોને સોંપતા દિવ્યાંગજનોના પરિવારજનો દ્વારા પોરબંદર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.