જિલ્લાની મુખ્ય નદીઓ ભાદર, મીણસાર, ઓઝત, મધુવંતી, સહિત નાની મોટી નદીઓમાં પુર આવ્યા છે. ડેમ-તળાવો ભરાતા લોકોને નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર કરવાથી દુર રહેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાવચેત કરાયા છે. ઉપરાંત નદી નાળા કે વોકળાના વહેતા પાણીમાં વાહનોને ન ઉતારવા પણ જણાવાયુ છે.
થોડા દિવસ અગાઉ પસવારીના ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓએ જિલ્લાની મુખ્ય નદી ભાદર બે કાંઠે વહે તેવી વરૂણદેવને પ્રાર્થના કરી હતી. પસવારીની મહિલાઓની આ પ્રાર્થના આજે હકિકત બની છે. આજે ભાદર બે કાંઠે વહિ રહી છે. બે કાંઠે વહેતી ભાદરને માણવાનો પણ અનેરો લ્હાવો છે. ભાદર બે કાંઠે વહેતા ભાદરકાંઠાના ગામો રોઘડા, ચૌટા, માંડવા, થેપડા, ટેરી, ગોકરણ, પસવારી તેમજ ઘેડ વિસ્તારનાં ગામોનાં ખેડૂતોમાં અનેરી ખુશી છે.
પોરબંદરમાં મોસમનો 93 ટકા વરસાદ, ખેડુતોમાં ખુશીનો માહોલ ભાદરકાંઠાના ગામોમાં તો કુવાના તળ સાજા થતાં ખરીફ પાક સાથે શીયાળુ પાક લેવાની પણ નિરાંત થઇ છે. આથી જ માંડવાના દેવસીભાઇએ કહ્યુ કે, જ્યાં સુધી ભાદર બે કાંઠે ન વહે ત્યાં સુધી અમને વરસાદ પડયાનો સંતોષ થતો નથી. તો બીજી બાજુ મીણસાર પણ બે કાંઠે વહેવા લાગતા રાણાકંડોરણા, ઠોયાણા, ભોડદર, નેરાણા સહિતના ગામોના ખેડુતો ખુશ છે.
જિલ્લાનાં વરસાદના તાલુકાવાર આંકડા જોઇએ તો કુતિયાણા તાલુકામાં સરેરાશ 709 મી.મી. સાથે 604 મી.મી. 85.21 ટકા, રાણાવાવ તાલુકામાં સરેરાશ 717 મી.મી. સાથે 608 મી.મી. 84.75 ટકા અને પોરબંદર તાલુકામાં સૌથી વધુ સરેરાશ 642 મી.મી. સાથે 700 મી.મી. 108.99 ટકા વરસાદ પડ્યો છે. અવિરત વરસાદ સંદર્ભે જિલ્લા તંત્રના અધિકારીઓ કલેકટર કચેરી, મામલતદાર કચેરીઓ, સિંચાઇ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તલાટીઓ પણ સતત સતર્ક રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે.