રહેમાની મસ્જિદ સામે ખાનગી ટાવરનો કર્યો લોકોએ વિરોધ - Gujarati News
પોરબંદરઃ જિલ્લાના મેમણવાડા વિસ્તાર, વીરડી પ્લોટ વિસ્તાર તેમજ રહેમાની મસ્જિદ સામે નગરપાલિકાના ડેલામાં જે જગ્યા પર બાળકો માટે આંગણવાડી ચાલે છે તેવા ભરચક એરિયામાં પ્રજાના સ્વાસ્થ્યની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર નગરપાલિકાએ એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર ઉભો કરવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે આ ટાવરનું કામ શરૂ થવાનું હતું, ત્યારે જ આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો અને આ કામ બંધ કરાવ્યું હતું. લોકોએ જણાવ્યું કે, કોઈ પવનના જોરે આ ટાવર પડવાથી આસપાસના લોકોમાં જીવનું જોખમ પણ ભવિષ્યમાં ઉભું થાય આ ઉપરાંત આસપાસમાં રહેતા લોકો અને બાળકોને તેના રેડિએશનના કારણે થતું ભયંકર નુકસાન થતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે. જેનો વિરોધ કરી અહીંના રહેવાસીઓએ નગરપાલિકાના સતાધિકારીઓને વાંધા અરજી કરી જાણ કરી હતી. આ વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવામાં આવશે તો તેનો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચારી હતી.