ગાંધીજીનું જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ એટલે પોરબંદર શહેર પહેલા સુદામાપુરી તરીકે ઓળખાતું હતું. આજે અખાત્રીજના દિવસે સુદામા તેના સખા શ્રીકૃષ્ણને મળવા માટે તાંદુલની પોટલી બાંધી દ્વારિકા જવા રવાના થયા હતા. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાનું મંદિર પોરબંદરમાં આવેલું છે. જેથી આજના દિવસે સુદામાના ચરણ સ્પર્શ કરી પ્રભુ શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કર્યાની અનુભુતી ભક્તોમાં થાય છે.
જાણો...અખાત્રીજના દિવસે સુદામાના ચરણ સ્પર્શનો મહિમા !
પોરબંદરઃ કૃષ્ણ સખા સુદામાની પાવન ભૂમિ પોરબંદરમાં આજે અખાત્રીજ નિમિત્તે સુદામાની પ્રતિમાના ચરણ સ્પર્શ કરવા મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આજના દિવસે જ સુદામા શ્રીકૃષ્ણને મળવા દ્વારીકા રવાના થયા હતા.
આજે વહેલી સવારથી સુદામા મંદિર ખુલ્લું મુકવામાં આવે છે અને તેના ચરણ સ્પર્શ કરી ભક્તો ધન્યતા અનુભવે છે. સુદામા શ્રીકૃષ્ણને મળવા દ્વારકા જવા નીકળ્યા હતા ત્યારે સાથે તાંદુલ લઈને ગયા હતા. તેથી સુદામા મંદિરે આવતા ભક્તજનોને તાંદુલનો પ્રસાદ પણ આપવામાં આવે છે. તો અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ સુદામાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને સાથે સાથે શ્રી કૃષ્ણના ભક્તિ ગાઇને કૃષ્ણની આરાધના પણ કરે છે.
શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે, સુદામા મંદિર અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિરમાં દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ માત્ર દર્શન કરીને જ ચાલ્યા જાય છે, પરંતુ આ મંદિરનો ઇતિહાસ શું છે તે માટે જો એક સુદામા-કૃષ્ણ મિલન પ્રસંગનું મ્યુઝિયમ અથવા વધુ માહિતી આવતી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવે તો આવનારી નવી પેઢીમાં પણ મિત્રતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડી શકાય છે. અને યુવાનો પણ આ સંસ્કૃતિને જાળવી અને મિત્રતામાં મિત્ર ને દુઃખના સમયે મદદ કરવાનું સંદેશો પણ શ્રીકૃષ્ણને સુદામાની મિત્રતામાંથી મળે છે.