ગજનીનાં સોમનાથ મંદિર પર હુમલા દરમિયાન મૂળ રાજસ્થાનથી ગુજરાતનાં સોમનાથ મંદિરે દર્શનાર્થે આવેલ રાજસ્થાની રાજપૂત પરિવારો ગુજરાતનાં દરિયાકિનારે સ્થાયી થયો હતો. તે સમયમાં ગુજરાતનું વહાણવાટુ વાણીયા જ્ઞાતિનાં લોકો દ્વારા સમુદ્રમાં વ્યાપાર કરતા હતા. જે સમયમાં સમુદ્રનાં લુટારુંઓ વહાણવટું કરતા વાણીયા લોકોને લૂંટતા જેનાથી રક્ષણ મેળવવા વાણીયા જ્ઞાતિના વેપારીઓએ રાજસ્થાની લોકોને ખલાસી તરીકે વહાણમાં સમુદ્રી લુટારુંઓથી રક્ષણ કરવાનું કામ સોંપ્યું હતુ. લડાયક અને બહાદુર હોવાથી આ કામ સારી રીતે કરી વાણીયા વેપારીઓની રક્ષા કરતી કોમ ધીમે ધીમે દરિયાઈ વ્યવસાયમાં જોડાઈ હતી. સઢવાળી હોડી લઈને આફ્રિકા સુધી વ્યવસાય કરતા થયા અને ખારા પાણીમાં વહન કરનાર હોવાથી ક્ષારવાહનમાંથી "ક્ષારવા" કહેવાયા અને આ મુજબ જ આ જ્ઞાતિનું નામ ક્ષારવા માંથી ‘ખારવા’ નામ ચલણમાં આવ્યું હતુ. હાલ પણ આ લોકો ખારવા તરીકે ઓળખાય છે.
"ખારવા "કોમનાં જ્ઞાતિપ્રમુખની તિલક વિધિ આધુનિક જમાનામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધતા વહાણવટા વ્યવસાય ભાંગી પડ્યો. ખારવા લોકો માછીમારીનાં વ્યવસાય તરફ વળ્યાં અને આશરે 1975 બાદ આ વ્યવસાયમાં વધુ પડતા ખારવા લોકો જોડાયા અને માછીમારીનો વ્યવસાય અપનાવ્યો હતો. પરંતુ આ જ્ઞાતિના હાલની પેઢીઓએ પણ તેમનાં વડવાઓની વર્ષો જૂની પ્રમુખ “વાણોટ”ની ચૂંટણી પરંપરા હજુ જાળવી રાખી છે. ખારવા જ્ઞાતિમાં જ્ઞાતિના પ્રમુખને “વાણોટ” કહેવાય છે. આ પરંમપરાને હાલ 206 વર્ષ પૂર્ણ થયા છે.
ગુજરાતમાં દરિયાકાંઠે વસતા ખારવા જ્ઞાતિ મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે. જયારે પોરબંદરમાં 1 લાખ થી વધુ વસ્તી ધરાવતા ખારવા જ્ઞાતિના વિસ્તારને ગુજરાત ખારવા જ્ઞાતિ માટે મુખ્ય સ્થળ કહેવાય છે. ખારવા જ્ઞાતિનું અનોખું બંધારણ છે. જેમાં જ્ઞાતિમાં કે કુટુંબમાં થયેલા વિવાદોનાં નિવારણ માટે નિયમો છે. પોલીસ સ્ટેશન જતાં પહેલા જ્ઞાતિની કોર્ટમાં ન્યાય આપવામાં આવે છે. જ્ઞાતિના વિકાસ માટે અને અભ્યાસ માટે પણ અહીં પગલાં હાથ ધરાય છે.
વાણોટની ચૂંટણી પ્રક્રિયા અનોખી રીતે કરવામાં આવે છે. મોટાભાગના ખારવા સમાજના લોકો ચોમાસામાં ઘર પર હોવાથી ચોમાસામાં આ ચૂંટણી પ્રક્રિયા થાય છે. જેમાં વિસ્તાર મુજબના કુલ 9 ડાયરાઓ હોય છે. દરેક ડાયરામાં 1200 થી 1500 સભ્યો હોય છે.આ ડાયરાઓ ભીમ અગિયારસના દિવસે ખુલે છે. અને રગ પાંચમના દિવસે બંધ થાય છે. જેમાં મઢીનો ડાયરો, કાઠાંનો ડાયરો, કાજી પીરનો ડાયરો, હરદાસનો ડાયરો, ગૉયાનો ડાયરો, દેલવાડીનો ડાયરો, રામદેવજીનો ડાયરો , મઠનો ડાયરો, અને મનજી ભુવાના ડાયરાનો સમાવેશ થાય છે.
9 ડાયરા ઓમાંથી એક ડાયરામાંથી બે પટેલ અને એક ટ્રસ્ટી એમ કુલ મળીને 3 લોકોની પસંદગી થાય છે. 9 ડાયરાના કુલ 27 પ્રતિનિધિઓની પસંદગી થાય છે. આ પ્રતિનિધિઓની પસંદગી લોકશાહી પદ્ધતિથી કરવામાં આવે છે. પટેલનું કાર્ય જ્ઞાતિમાં ન્યાયની પ્રક્રિયા અને જ્ઞાતિના વિકાસ કાર્યની જવાબદારી હોય છે. જયારે ટ્રસ્ટી ડાયરાના વહીવટી અને જ્ઞાતિના નાણાકીય હિસાબની તાપસ કરે છે.
દર વર્ષે ચૂંટાયેલા 27 પટેલોમાંથી 5 ડાયરા અથવા 14 સભ્યો જે લાયક વ્યક્તિને સંમતિ આપે તે વ્યક્તિ ખારવા જ્ઞાતિના વાણોટ બને છે. જેને ખારવાવાડમાં આવેલ રામદેવપીરના મંદિરે આરતી થયા બાદ ઘંટનાદ કરવામાં આવે છે. આ ઘંટનાદ વાણોટની ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયાનું સૂચવે છે. ખારવા સમાજનાં પંચાયત મંદિરમાં નાની બાળા દ્વારા નવા વાણોટને કુમ-કુમ તિલક કરવામાં આવે છે. વિધિવત રીતે અષાઢીબીજના દિવસે વાણોટને ગાદી સોંપાય છે. સમસ્ત ખારવા સમાજના વિસ્તારમાં વાજતે-ગાજતે ઢોલ અને શરણાઈનાં નાદ સાથે વાણોટ નગર ચર્યા કરે નીકળે છે.જ્યાં જ્ઞાતિજનો ઉપરાંત રાજપૂત સમાજ મુસ્લિમ સમાજ રાજકીય આગેવાનો સહિત અન્ય જ્ઞાતિના લોકો પણ તેમના હારતોરા કરી સ્વાગત અભિનંદન કરે છે. આ વર્ષમાં ખારવા સમાજ દ્વારા યોજાયેલ ચૂંટણીમાં વાણોટ તરીકે પ્રેમજીભાઈ ખુદાઈની પસંદગી કરવામાં આવી છે.જયારે ઉપપ્રમુખ તરીકે અસ્વીનભાઈ જુંગીની પસંદગી કરવામાં આવી છે.
પોરબંદર ઉપરાંત માંગરોળ, વેરાવળ, દીવ, વણાંકબારા, માંડવીથી મુંબઈ સુધી વસતા ખારવા સમાજના લોકો પોરબંદરમાં ચૂંટાયેલ વાણોટને સમસ્ત ગુજરાતના વાણોટ તરીકે સર્વ સંમતિથી સ્વીકારે છે. વર્ષો જૂની પરંપરામાં પોરબંદર સ્ટેટના રાજા ભાવસિંહજી અને નટવરસિંહજી પણ તે સમયે વાણોટનાં તિલકવિધિ સમારોહમાં હાજર રહેતા. આ તિલકવિધિ અષાઢી બીજનાં દિવસે થાય છે. જેમાં આજે રાજપૂત સમાજ દ્વારા પ્રમુખને સાફો પહેરાવવમાં આવ્યો હતો. ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવપીરની શોભાયાત્રા નીકળે છે. જેમાં પોરબંદરના વિવિધ જ્ઞાતિ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ખારવા સમાજના વાણોટનું ફુલહાર થી સ્વાગત કરે છે. ભવ્ય શોભાયાત્રામાં પરંપરાની ઝલક સ્વરૂપે પંચાયત મંદિરના ફ્લોટ્સ સહિત વિવિધ પ્રકારના સામાજિક સંદેશ આપતા ફ્લોટ પણ આ શોભાયાત્રામાં જોડાય છે.
ખારવા સમાજ દ્વારા શોભાયાત્રામા સાહસિકતા અને એકતાનું અનેરૂ પ્રતિબિંબ જોવા મળે છે. લોકોમાં ભાઈ ચારાની ભાવના પણ કેળવાય છે. પોરબંદરમાં દર વર્ષે યોજાતી ખારવા સમાજની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ શોભાયાત્રામાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે.