પોરબંદરઃ શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તથા જિલ્લાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજને રાષ્ટ્રીય કક્ષાના ગુણવતા સભર આરોગ્ય કેન્દ્રના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. દિલ્હીની NHSRC ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સતત 3 દિવસ ભાવસિંહજી જનરલ હોસ્પિટલના 17 વિભાગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ તમામ વિભાગોને રાષ્ટ્રીય કક્ષાના માપદંડો મુજબ 76 ટકા સાથે NQAS સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવ્યા છે.
ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ફેબ્રુઆરી 2020નાં રોજ રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલીટી અંતર્ગત એસેસમેન્ટ NHSRS દિલ્હી દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમે કર્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરેજ ઘેડ ખાતે અતિ દુર્ગમ વિસ્તારમાં આવ્યું છે. આ આરોગ્ય કેન્દ્રના ડૉ. નીખીલ બામણીયા દ્વારા જિલ્લા ક્વોલીટી ઓફિસર ડૉ. સંદીપ શર્માના માર્ગદર્શન હેઠળ રાત-દિવસ મહેનત કરીને નેશનલ લેવલનું એસેસમેન્ટ કરાવવા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તમામ 6 વિભાગોને રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા સભર કેન્દ્રમાં 84 ટકા સાથે સામેલ કરાવ્યું છે.