ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોના લોકો લગ્નમાં જોડાય છે અને લગ્નની તમામ રીતો સુંદર રીતે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની કંકોત્રી પણ લખવામાં આવે છે. હોળીને બીજા દિવસે આજે ધૂળેટીના દિવસે માધવપુરના માધવરાયજીના નીજ મંદિરેથી 4 વાગ્યે ભક્તજનો વાજતે-ગાજતે નીકળ્યા હતા, અને મધુવનમાં પહોંચ્યા હતા જ્યા રૂક્ષ્મણીજી મંદિરના મહન્ત દ્વારા કંકોત્રી લખવામાં આવી હતી. દર વર્ષે પહેલા પડવે ભગવાનની કંકોત્રી લખવાની પરંપરા છે.
માધવપુર ગામે યોજાતા દેશના સુપ્રસિદ્ધ મેળા દરમિયાન ભગવાનના લગ્નની કંકોત્રી લખાઇ - gujarati news
પોરબંદરઃ આપણા દેશમાં હિન્દુ ધર્મના ચાર મેળાનું ધાર્મિક મહત્વ રહેલું છે. જેમાં ગંગા નદીના કિનારે યોજાતો કુંભનો મેળો, સુરેન્દ્રનગર પંથકનો તરણેતરનો મેળો, જૂનાગઢના ગિરનારની તળેટીનો ભવનાથનો મેળો અને પોરબંદરના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂક્મણીના લગ્ન વખતે યોજાતો લોકમેળો. માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજી સાથે જ્યાં લગ્ન કર્યા હતા ત્યાં માધવપુરના માધવરાયજીના મંદિરે દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન કરાવવામાં આવે છે.
આગામી તારીખ 13 એપ્રિલને શનિવારના રોજ રામનવમી છે ત્યારે માધવપુર ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન થશે અને 5 દિવસના મેળા દરમિયાન ભગવાનના લગ્નની તમામ વિધીઓ પણ ઉલ્લાસપૂર્વક સમગ્ર ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવશે. ભગવાનના લગ્ન પ્રસંગે રાત્રિના સમયે પૌરાણિક રથમાં ભગવાનનું ફૂલેકું કાઢવામાં આવે તેમજ રથમાં બિરાજમાન કરતા પૂર્વે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને ભજન-કીર્તનની રમઝટ સાથે આ ફૂલેકું માધવપુરની શેરીઓમાં વાજતે-ગાજતે નીકળશે. માધવપુરવાસીઓમાં અત્યારથી લોકમેળા અને ભગવાનના લગ્ન માટે અનેરોઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ઉલ્લેખનિય છે કે ગત વર્ષે આ મેળામાં છ રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ધામધૂમથીઆ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.