પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલને પોરબંદરના રાજાએ ગરીબ દર્દીઓના હિતાર્થે બંધાવી આપી હતી. જ્યાં દર્દીઓની સારવાર આપવામાં આવે તો છે, પરંતુ સરકાર દ્વારા તબીબોના ડેપ્યુટેશન મુદ્દાને લઈને તબીબોએ પોરબંદર જિલ્લામાંથી દ્વારકા હોસ્પિટલ ખાતે જવું પડે છે. આ મામલે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તબીબોના ડેપ્યુટેશન અન્ય સ્થળે કરવાથી દર્દીઓની ભીડ જમા
પોરબંદર : છેલ્લા ઘણા સમયથી તબીબોની ઘટ હોવાના કારણે મોટી મુશ્કેલી સર્જાતી રહે છે, જેના કારણે દર્દીઓની ભીડ જમા થઈ જાય છે. આ મામલે અનેક વખત રજુઆત કરી છતાં એક જ કારણ સામે આવ્યું હતું. જે તબીબોના ડેપ્યુટેશન અન્ય સ્થળે કરવાથી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ રહે છે જેના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પણ ગાંધીનગર આરોગ્ય વિભાગમાં રજૂઆતો કરતા તબીબોને ડેપ્યુટેશનમાં અન્યત્ર જિલ્લામાં નહીં મોકલાય તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. પરંતુ 22 તારીખથી પોરબંદર જિલ્લાના બે તબીબોને દ્વારકા ડેપ્યુટેશન માટે મોકલવાનું સિલસિલો યથાવત રહેતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.
આ અંગે સામાજિક કાર્યકર્તા બાબુભાઈ પાંડવરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જો તબીબોનું ડેપ્યુટેશન બંધ કરવામાં આવે તો દર્દીઓ વધુ લાભ લઇ શકે તેમ છે. આ પ્રક્રિયા સદંતર બંધ કરવામાં આવી હતી. ફરીથી આ પ્રક્રિયા શરૂ કરતાં દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ અંગે વહીવટી તંત્રની પૂછતા મુખ્ય અધિકારી રજા ઉપર ગયા હોય અને અન્ય ફરજ પરના અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાની ના પાડી હતી.