- પોરબંદરમાં દિવ્યાંગ યુવાનને USAમાં બનેલો આધુનિક હાથ ફિટ થયો
- ખીદમત-એ-ખલ્ક ગ્રુપના પ્રયાસોને સફળતા
- આગામી સમયમાં યુવાનને અનુકૂળ પડે ત્યારે બીજો હાથ ફિટ થશે
પોરબંદર: એચ.એસ. એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત ચાલતા 'ખીદમત-એ-ખલ્ક ગ્રુપ' દ્વારા અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિની સાથો સાથ એક ખુબ જ ઉમદા પ્રવૃત્તિ કરવામાં આવી છે. જેમાં યુવાનને આધુનિક ટેકનોલોજી સાથેના હાથ લાખો રૂપિયાના ખર્ચે ફિટ કરાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એક હાથ સફળતાપૂર્વક ફિટ થઈ ગયો છે. જ્યારે બીજા હાથમાં કોણીનો ભાગ બહાર ન હોવાથી અમુક શસ્ત્રક્રિયા બાદ યુવાનની અનુકૂળતા મુજબ ફિટ કરાવી આપવામાં આવશે.
યુવાનનો પરિચય
આ યુવાન મુનિર દલ ઉ.વ. 20ના હાથ નહીં હોવા છતાં પગેથી ચિત્ર દોરે છે અને અગાઉ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન પોરબંદરમાં ગાંધી નિર્વાણ દિન નિમીતે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં બે હાથ વગરનાં વિદ્યાર્થીએ પગ વડે સ્વચ્છ ભારતનું સુંદર ચિત્ર બનાવી પોતાની અદભૂત કલા વરસાવી હતી. પોરબંદરની MEM સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે હાથે અપંગ હોવા છતાં સ્વચ્છ ભારતનું અદભૂત ચિત્ર પગ વડે બનાવી તેમના ચિત્રએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મુનીરના પિતા પોરબંદરમાં બેકરીની દુકાન ચલાવે છે અને મુનીરે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. હાથે અપંગ હોવા છતાં તેના મનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવાની મહેચ્છા ધરાવે છે.
આ પણ વાંચો:રોટરી કલબ જૂનાગઢ દ્વારા દિવ્યાંગોને કૃત્રિમ હાથ લગાવવામાં આવ્યા
ખીદમત એ ખલ્ક ગ્રુપનો નિર્ધાર
પોરબંદરના એક સામાન્ય પરિવારમાંથી આવતા ટેલેન્ટેડ અને બંન્ને હાથ નથી તેમ છતાં પોતાની કલાથી લોકોને અભિભૂત કરનારા મુનીર દલ નામના યુવાનને સામાજિક અગ્રણી વી.જે. મદરેસ્સાના સેક્રેટરી અને હનીફા એજ્યુ. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પોરબંદર છાયા નગરપાલિકાના સદસ્ય ફારૂકભાઈ સૂર્યાની આગેવાનીમાં ચાલતા ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા આ યુવાનના હાથ અંગે ચિંતા સેવીને વૈજ્ઞાનિક રીતે વિચારણા કર્યા બાદ યુવાનને હાથ ફિટ કરી અપાવવા નિર્ધાર કર્યો હતો. જે અંતર્ગત હાથ ફિટ કરવાની આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.