પાટણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ત્રિ દિવસીય યુથ ફેસ્ટિવલ "કલ્પવૃક્ષ"નો ગઈકાલથી પ્રારંભ થયો છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં આ યુથ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
1400 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ:પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટી ખાતે ૩૪ માં યુથ ફેસ્ટીવલ ‘કલ્પવૃક્ષ’ નો પ્રારંભ થયો છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાયિકા કિંજલ દવે, પ્રો. રોહિત દેસાઈની ઉપસ્થિતિ વચ્ચે આ યુવક મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યુવક મહોત્સવમાં ઉત્તર ગુજરાતની ૧૨૫ કોલેજોના ૧૪૪૦ થી વધારે યુવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો. જેમાં ૨૫૦ જેટલા નિર્ણાયક, મેનેજર તેમજ વિવિધ કોલેજોના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને ધારાસભ્ય ઠાકરનું સંબોધન: આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, હું પણ નાટ્યમંચથી આજે જનમંચ સુધી પહોચ્યો છુ, કોલેજ કાળથી આ યુનીવર્સિટીનો વિદ્યાર્થી અને નાટકમાં ભાગ લેતા લેતા આજે જનમંચ સુધી પહોંચ્યો છું, તેમાં યુવક મહોત્સવનો પણ ફાળો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની કલ્પના કરી છે. તેને યુવાનો જ પરિપૂર્ણ કરશે. ધારાસભ્ય ઠાકરે યુવા વિદ્યાર્થીઓને જીવનમાં પણ ખેલદીની વિકસાવવાનુ સૂચન કર્યુ હતું.
કિંજલ દવેએ પણ લીધો ભાગ: જ્યારે આ પ્રસંગે ગાયિકા કિંજલ દવે એ જણાવ્યું હતું કે, હું અત્યારે આ યુનિવર્સિટીની પ્રાંતિજ કોલેજની વિદ્યાર્થિની તરીકે આવી છુ. મારું હંમેશા સ્વપ્ન હતું કે હું પણ યુથ ફેસ્ટીવલમાં ભાગ લઉં, જે આજે પૂરું થયું. તેમણે તેમના લોકપ્રિય ગીતો રજુ કરી યુવાનોને પણ કોઈ એક કળાને પોતાની તાકાત બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સીટીના કુલપતિ પ્રો. રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વ્યક્તિમાં નિર્ણય શક્તિના વિકાસમાં સ્ટેજ મહત્વનું છે. યુથ ફેસ્ટીવલ થકી યુવાનોની તમામ શક્તિ બહાર આવે છે અને તેમના વ્યક્તિત્વ નો ‘સ્વ’ નો વિકાસ થાય છે. તણાવ દુર કરવામાં પ્રત્યેક કળા મહત્વની ભૂમિકા ભજવે છે. યુવાનો પણ તણાવ મુક્ત બનશે તો રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં તેમની ભૂમિકા રહેશે.
- જીવન કલ્યાણકારી તમામ વસ્તુઓમાં ધર્મ હોવો જોઈએ : જગદગુરુ શંકરાચાર્ય
- સિદ્ધપુરમાં બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ