પાટણ :પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ચેમ્બર્સમાં ઘુસી થાળી વેલણના ઘંટરાવ સાથે ઘેરાવ કર્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખની ઓફીસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓનું રૌદ્ર સ્વરુપ જોઇ નગરપાલિકાના સત્તાધીશોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી . જવાબદારો દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તેમજ નવા બોર માટે તાકીદે ટેન્ડરીંગ પ્રકિક્રયા કરવાની ખાતરી આપી હતી.
પાણી મુદ્દે મહિલાઓ બની રૌદ્ર :પાટણ નગરપાલિકાના વોર્ડ નં .6 માં આવેલ રશીયન નગર અને આજુબાજુની સોસાયટીઓમાં હાંસાપુરનો બોર ફેલ થતાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી વિતરણ કામગીરી બંધ છે . સ્થાનિકો ખાનગી ટેન્કરો મારફતે પીવાનું અને વાપરવાનું પાણી મંગાવે છે. નગરપાલિકા દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા અથવા ટેન્કરો મારફતે પાણી પુરુ પાડે તેવી રજૂઆતો પાલિકાના કારોબારી ચેરમેન અને વોર્ડ નં .6 ના કોર્પોરેટરો સમક્ષ વારંવાર કરવામાં આવી છે . છતાં ત્રણ મહિનાથી સર્જાયેલ પાણીની સમસ્યા હલ કરવા કોર્પોરેટરો કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા અકળાયેલી મહિલાઓ છેલ્લા એક સપ્તાહથી નગરપાલિકામાં આવી રજૂઆતો કરે છે છતાં જવાબદારો દ્વારા કોઇ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી.
મહિલાઓએ સવારથી પાલિકામાં પડાવ નાખ્યા :પાણીની સમસ્યાથી ત્રણ મહિલાઓના ટોળાએ નાના બાળકો સાથે સવારના 11 કલાકથી નગરપાલિકામાં પડાવ નાખ્યો હતો. સવારના સમયે કોઈ જ જવાબદાર પદાધિકારીઓ નગરપાલિકામાં હાજર ન હોય આ મહિલાઓ નાના બાળકો સાથે પાલિકામાં જ બેસી રહી હતી. સાંજના 4 કલાકે નગરપાલિકાની બજેટની સામાન્ય સભા હોઇ બપોરના 3-30 કલાકના સુમારે ચીફ ઓફીસર, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સત્તાધારી ભાજપ પક્ષાના કોર્પોરેટરો આવતા મહિલાઓ આક્રમક બની હતી.
45 મિનિટ સુધી સભાનું કામકાજ અટકાવ્યું :પ્રથમ ચીફ ઓફીસર ચેમ્બર્સમાં આવતા પાણી આપો.... પાણી આપો.... ના સૂત્રોચ્ચાર સાથે ચેમ્બર્સમાં ઘુસી થાળી વેલણના ઘંટરાવ સાથે ઘેરાવ કર્યો હતો. તેજ રીતે પ્રમુખ, ઉપપ્રમુખની ઓફીસમાં ઘુસીને હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓના ટોળામાંથી છટકી પ્રમુખ , ઉપપ્રમુખ બજેટની સામાન્ય સભા માટે સભાગૃહમાં જતા “ આપ ” ના કાર્યકરો સાથે મહિલાઓ સભાગૃહમાં ઘુસી ગઈ હતી અને માટલાઓ ફોડી ભારે હલ્લાબોલ મચાવી અંદાજે 45 મિનિટ સુધી સામાન્ય સભાનું કામકાજ અટકાવી દીધુ હતું.