- પાટણની સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમ યોજાયો
- વીર વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને નાયકાદેવીને મહાનુભાવોએ માલ્યાર્પણ કર્યું
- ચાલુ વર્ષે કુમારપાળ સોલંકીની થીમ ઉપર કાર્યક્રમ યોજાયો
પાટણ: વિક્રમ સંવંત 802મા વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણિયાની મદદથી સ્થાપવામાં આવેલા ઐતિહાસીક નગર પાટણના 1275મા સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 20મા સ્થાપના દિવસની ઉજવણી કાળકા મંદિર રોડ પર આવેલા શિશુ મંદિર ખાતે કરવામાં આવી હતી. અખિલ ભારતીય ક્ષત્રિય ધર્મ સંસદના પ્રમુખ ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહાન ચક્રવતી રાજા સિદ્ધરાજનું શાસન પાટણ નગરમાં હતું, ત્યારે અહીં સુવર્ણકાળ હતો અને ભારતના 77 ટકા ભાગ પર તેમનું શાસન હતું. આ નગરમાં અનેક પ્રતાપી સમ્રાટ રાજાઓએ શાસન કરીને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ ઉભી કરી હતી. ભૂતકાળમા મહાન સોલંકી વંશના સમ્રાટ કુમારપાળ થઈ ગયા, પરંતુ તેમનો ઇતિહાસ ક્યાંક દબાઈ ગયો હતો, ત્યારે આ વર્ષે મહાન સોલંકી સમ્રાટ કુમારપાળના પાત્રને ઉજાગર કરવાની થીમ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું છે.
પાટણ દસમી સદીમાં પણ પ્રચલિત હતું
ગુજરાત GIDCના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પાટણ નગરમા સોલંકી, ચાવડા અને વાઘેલા વંશના પ્રતાપી રાજવીઓ થઈ ગયા તેમના સમયમાં પાટણનું સામ્રાજ્ય ખૂબ જ વિશાળ હતુ. દસમી સદીનો પાટણનો ઇતિહાસ આખા વિશ્વમાં પ્રચલિત છે. દસમી સદીમાં આખા વિશ્વના 10 મહાનગરોમાં પાટણનું દસમું સ્થાન હતું. તે સમયે પાટણની જનસંખ્યા 1 લાખની હતી. જે હાલ ઇન્ટરનેટના માધ્યમથી વિકિપિડિયામાં ઉપલબ્ધ છે.