- જિલ્લામાં ધોરણ 6થી 8ના વર્ગખંડો શરૂ
- શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
- વિદ્યાર્થીઓએ મહિનાઓ બાદ વર્ગખંડમાં કર્યો અભ્યાસ
- વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી આપવામાં આવ્યો પ્રવેશ
પાટણઃ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર તબક્કાવાર શાળાઓ શરૂ કરી કરવાની મંજૂરી આપી રહી છે. ત્યારે પાટણમાં શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓએ વર્ગખંડોમા અભ્યાસ શરૂ કર્યો છે. પાટણમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી દેવાઈ છે. પાટણ જિલ્લામાં ધોરણ 6ના 21350, ધોરણ 7ના 19154 અને ધોરણ 8ના 20757 મળી કુલ 61261 વિદ્યાર્થીઓ પૈકી 30 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાથે ગુરુવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે.
વિદ્યાર્થીઓએ મહિનાઓ બાદ વર્ગખંડમાં કર્યો અભ્યાસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વિદ્યાર્થીઓને કરાઈ અપીલ
પાટણની તારાબેન કન્યા શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી, સેનેટાઈઝ કરાવી, માસ્ક આપી પ્રવેશ આપ્યો હતો અને વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી વર્ગખંડમાં શિક્ષકની દેખરેખ હેઠળ અભ્યાસ કરશે એટલે અભ્યાસની ગુણવત્તા સુધરશે
ગુરુવારથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થતા વાલીઓ પણ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા માટે આવ્યા હતા અને સંમતિપત્રક ભરી આચાર્યને સુપરત કર્યું હતું. ત્યારે એક વાલી જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ નેટવર્કિંગની સમસ્યાઓને કારણે બાળકો યોગ્ય ભણતર ભણી શકતા ન હતા ત્યારે હવે શાળાઓ ચાલુ થઈ છે. આથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષકની દેખરેખ હેઠળ અભ્યાસ કરશે જેથી તેઓના અભ્યાસની ગુણવત્તા સુધરશે.