પાટણઃ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નક્કર આયોજનના અભાવે રખડતાં પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરના હાર્દ સમા જાહેર માર્ગો અને મહોલ્લા પોળોમાં અડિંગા જમાવી બેસી રહેતા પશુઓ જ્યારે તોફાને ચડે છે ત્યારે દોડધામ મચી જાય છે. રખડતાં પશુઓના કાયમી નિકાલ માટે અગાઉ સાંડેસરા પાર્ટી સેવા સહકારી મંડળીના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાટણ શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવાની માગ કરી હતી.
રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા પાટણમાં ઉપવાસ આંદોલન શરૂ
પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતા પશુઓ ની સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની છે. તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બે કરવાની નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઇ નિરાકરણ ન આવતા શુક્રવારે સાંડેસરા પાટી સેવા સહકારી મંડળીના આગેવાનોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ભૂખ હડતાલ પર ઉતર્યા હતા ને આ સમસ્યા નો કાયમી નિકાલ કરવાની મંગકરી હતી
પ્રાંત અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લઇ નગરપાલિકા નો ખુલાસો પૂછી યોગ્ય કરવાની ખાતરી આપી હતી પરંતુ, તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ન છૂટકે શુક્રવારે સાંડેસરા પાર્ટી સેવા સહકારી મંડળીના આગેવાનોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ઉપવાસ પર ઉતર્યા હતા અને રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી.
સાંડેસરા પાર્ટી સહકારી સેવા મંડળીના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી વહીવટી તંત્ર અને નગરપાલિકા એકબીજાને ખો આપી રહ્યા છે. જેથી શહેરીજનો અને ખેડૂતો ભોગ બની રહ્યા છે. આ માટે અમે પ્રજાના હિત માટે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી આ સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહીશું.