પાટણમાં ભક્તિભાવપૂર્વક શીતળા સાતમની ઉજવણી કરાઈ
ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીને લઇ ધાર્મિક તહેવારોના ઉત્સવમાં ગ્રહણ લાગ્યું છે. સોમવારે શીતળા સાતમના પાવન પર્વમાં શ્રદ્ધાળુઓએ સરકારની માર્ગદર્શિકા મુજબ શીતળા માતાજીના મંદિરોમાં દર્શન કર્યાં હતાં.
પાટણઃ પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં આવતું જન્માષ્ટમી પર્વનું પણ અનેરૂં મહત્વ છે. જોકે કોરોના મહામારીને લઈને ચાલુ વર્ષે તહેવારોના ઉત્સવને પણ ગ્રહણ લાગ્યું છે. છતાં પાટણની ધર્મપરાયણ જનતા શ્રદ્ધા અને ભક્તિ સાથે તહેવારોની ઉજવણી કરે છે. શ્રાવણ વદ સાતમને શીતળા સાતમના દિવસે શહેરના છીંડિયા દરવાજા બહાર આવેલ અતિ પ્રાચીન શીતળા માતાજીના મંદિર ખાતે મહિલાઓએ દર્શન કર્યાં હતાં. તો કેટલીક મહિલાઓએ બાળકોના આરોગ્યની સુખાકારી માટે માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરેલી માટલી મૂકી બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. જો કે પરંપરાગત રીતે મંદિર પરિસર ખાતે ભરાતો મેળો આ વર્ષે બંધ રાખવામાં આવ્યો હતો.