પાટણ: આગામી વર્ષ 2024 માં સમગ્ર દેશમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. રાજકીય પક્ષોની સાથે વહીવટી તંત્ર પણ લોકશાહીનું આ મહાપર્વ સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સાથે સાથે મતદાન મથકોના પુનર્ગઠન અંગેની સમીક્ષા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
Patan News: પાટણમાં જિલ્લાના મતદાન મથકોના પુનગઠન માટે સમીક્ષા બેઠક યોજાઈ
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી-2024 અંતર્ગત મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે મતદાન મથકોના પૂનર્ગઠન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠક યોજાઇ: ભારતીય ચૂંટણી પંચની સુચનાઓ અનુસાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા 1500 થી વધે નહી તેને ધ્યાનમાં રાખીને મતદાન મથકનું શિફ્ટીંગ, મતદાન મથકના સેક્શન શિફ્ટીંગ તેમજ મતદાન મથક મર્જ કરવાની કામગીરીનું વિગતવાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલ સુચનોને ધ્યાને લઈ યોગ્ય આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી.
મતદાન મથકોના સ્થળમાં ફેરફાર:જિલ્લામાં કુલ 1231 મતદાન મથકોમાંથી ચૂંટણી પંચની સૂચના મુજબ 12 મતદાન મથક મર્જ કરવામાં આવશે. 5 મતદાન મથકો નવા ઉમેરવામાં આવશે. જે મતદાન મથકોમાં સેક્શન ફેરફાર કરવામાં આવ્યા હોય તેવા કુલ 34 મતદાન મથકો છે. તેમજ 67 મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવશે. અને 6 મતદાન મથકોના નામમાં ફેરફાર કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેકટરને મળેલ પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા.