પાટણ:રાધનપુર ભાજપના ધારાસભ્ય અને તેમના સાગ્રતો પર વેપારીએ પૈસાની માંગણીના ગંભીર આક્ષેપો કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અને દેશના વડાપ્રધાન સહિતના ભાજપના ટોચના નેતાઓને પત્ર લખતા રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોતાના પર લગાવવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. હાલ તો ધારાસભ્ય ઉપર થયેલ આક્ષેપનો મુદ્દો રાધનપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ધારાસભ્ય પર આક્ષેપ:રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટીમાં રહેતા અને વેપાર ધંધો કરતા ઠક્કર મનોજ નટવરલાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ રત્નાગરજી રાજ્યના મુખ્યપ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે રાધનપુર ભાજપના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઠાકોર અને તેમના સાગ્રતો સુરેશભાઈ ઠાકોર રામાભાઇ આહીર અને નરસિંહભાઈ ઠાકોર વેપારી વર્ગને ધમકાવી પૈસાની માંગણી કરી હેરાનગતિ કરી રહ્યા છે. વેપારીની માલિકીની જમીનમાં પણ ખોટા ડખા ઉભા કરી નાણાકીય રકમો માંગી રહ્યા છે. પાર્ટી દ્વારા યોગ્ય તપાસ કરી ધારાસભ્ય અને તેમના સગીતો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરતો પત્ર લખતા રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.