પાટણઃ પાટણ જીલ્લા આરોગ્ય અધિકારીએ માહીતી આપતા જણાવ્યું હતુ કે, 19 માર્ચના રોજ મુંબઈથી સિદ્ધપુર આવેલા 47 વર્ષીય વ્યક્તિએ તાવ આવવાના કારણે 26 માર્ચના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સારવાર લીધી હતી. ત્યારબાદ શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થતાં 3 એપ્રિલના રોજ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા જિલ્લાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા પરિવારના 6 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે.
દર્દીના સંપર્કમાં આવેલા 6 વ્યક્તિઓ પૈકી પાંચ વ્યક્તિઓને દેથળી ખાતે આવેલી આઈ.એમ.એ. હોસ્ટેલની કોરોન્ટાઈન ફેસિલિટીમાં તથા 1 વ્યક્તિને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. વધુમાં દર્દીના સંપર્કમાં આવેલા નેદ્રાણા ગામના 03 અને ચાટાવાડા ગામના વ્યક્તિઓ મળી કુલ 7 વ્યક્તિઓને આઈ.એમ.એ. હોસ્ટેલની કોરોન્ટાઈન ફેસિલિટીમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.