દર વર્ષે વરસાદ પહેલા નગરપાલિકા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ-મોનસૂન પ્લાન બનાવે છે, જે માત્ર કાગળ પર જ હોય છે. હકીકતમાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા કરવામા આવી નથી. જેથી પાલિકાની આવી બેદરકારીનો ભોગ દર વર્ષે વરસાદમાં શહેરીજનો બને છે. પાટણમાં માત્ર 1 દિવસમાં 1 ઈંચ વરસાદ પડતા નગર પાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના ટેલિફોન એક્સચેન્જથી ચાણસ્મા હાઇવે રોડ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં આવેલ 100થી વધુ સોસાયટીઓના રહીશોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
પાટણ નગર પાલિકાનો પ્રિ-મોનસૂન પ્લાન માત્ર કાગળ પર
પાટણઃ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે નગર પાલિકાના પ્રિ-મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. પાટણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી કારણે લોકો હલાકીઓ ભોગવી રહ્યા છે.
આ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ સોસાયટી, શીશ બંગલો, ત્રિભોવન નગર સહિતની સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાંથી કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જ્યારે વરસાદમાં પાણી ભરાઈ રહે ત્યારે નગરપાલિકા પાણી નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરે છે. આ વિસ્તારમાંથી કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવામા આવે તેવી માંગ ઉઠી છે.
પાટણના રાજકીય આગેવાનો ચૂંટણી સમયે માત્ર મત માંગવા આવે છે. ત્યારે આ વિસ્તારના રહીશોને વરસાદી પાણીના કાયમી નિકાલની ખાત્રી આપે છે. ચૂંટણી પુરી થઈ હોવા છતાં કોઈ પણ પક્ષના લોકો આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ કરતા નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.