પાટણઃ કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, મોઢા પર ફરજિયાત માસ્ક પહેરવું બિનજરૂરી રીતે બહાર ન નીકળવા જેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેનો લોકો અમલ પણ કરી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં કોરોનાને મ્હાત આપવા હું પણ કોરોના વોરિયરનું સૂત્ર આપી કોરોના સામે લડવા પ્રત્યેક નાગરિકને દ્રઢ સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે.
પાટણમાં ભાજપે લગાવેલું કોરોના વોરિયરનું હોર્ડીંગ્સ બન્યું હાસ્યાસ્પદ
કોરોના મહામારી અંતર્ગત લોકજાગૃતિ માટે પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા જાહેરાત બોર્ડમાં શહેરીજનોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ હોર્ડિગ્સમા ભાજપના આગેવાનોની સલાહ આપતી તસ્વીરો છાપવામાં આવી છે, પરંતું તેમાંથી એક પણ આગેવાને મોઢે માસ્ક પહેર્યું નથી. જે કારણે પાટણ જિલ્લા ભાજપનુ હોર્ડિંગ શહેરમાં હાસ્યાસ્પદ બન્યું છે.
આ અંતર્ગત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા પ્રજાજનોમાં લોક જાગૃતિ આવે, તે માટે જાહેર સ્થળો પર હું પણ કોરોના વોરિયરના મોટા હોર્ડિગ્સ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના વિવિધ સ્થળો પર પાટણ જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
શહેરના હાર્દ સમા અને હજારો લોકોની ચહલપહલથી ધમધમતા બગવાડા દરવાજા પાસે લોકજાગૃતિ માટેનું હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યું છે. આ હોર્ડિંગ્સમાં પ્રતિકાત્મક તસવીરો મોઢે માસ્ક પહેરેલી દર્શાવવામાં આવી છે. જ્યારે ભાજપના આગેવાનો શહેરીજનોને માસ્ક પહેરવાની સુફિયાણી સલાહો આપી રહ્યા છે. તેમાંથી એક પણ આગેવાને મોઢે માસ્ક પહેરેલું નથી. આ હોર્ડિંગ્સ શહેરીજનોમાં ભારે હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર બન્યું છે.