જમીનના ખોટા દસ્તાવેજો બનાવી વેચી દેતાં ખેડૂતની અરજ પાટણ:સમી તાલુકાના ચાંદરણી ગામના ખેડૂત એવા રાવળ પરિવારની ગીરવે મૂકેલી વડીલોપાર્જિત જમીન 6 જેટલા શખ્સોએ ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચી નાખતાં રાવળ પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી સાથે પાટણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાની જમીન પાછી અપાવવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે અમોને ન્યાય આપો કે પછી ઝેરી દવા આપો. ન્યાય નહીં મળે તો અમો આત્મહત્યા કરીશું. આ મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.
શું હતી સમગ્ર ઘટના:સમી તાલુકાના ચાંદરણી ગામે રહેતા રાવળ બાલાભાઈ મોહનભાઈની 46 વીઘા ખેતીલાયક જમીન ગામની સીમમાં આવેલી છે. ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાવળ પરિવારના મોભીને દીકરાની સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોય ગામના વતની દરબાર દિલીપસિંહને આ જમીન ગીરવે આપી હતી. જોકે આ સર્વે નંબર વાળી જમીન નવી અને અવિભાજ્ય પ્રકારની હોવાથી જૂની શરતમાં ફેરવવા માટે રાવળ પરિવારના મોભીને ઠાકોર દેવજીભાઈ નામના શખ્સે જૂની શરતમાં ફેરવી આપવા માટે વિશ્વાસમાં લઈ રૂપિયા એક લાખ ત્રણ હજાર હપ્તેથી આપવાનું નક્કી કર્યું હતું. જે રકમ ત્રણ હપ્તે રાવળ બાબુભાઈએ ચૂકતે કરી હતી.
પાંચ માસ અગાઉ ઠાકોર દેવજીભાઈએ રાવળ બાલાભાઈને વિશ્વાસમાં લઈ જમીનનું સોગંદનામુ થઈ ગયું છે તેમ કહી અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મળી ખોટી પાવર ઓફ એટર્ની, ખોટું ડેકલેરેશન તેમજ ત્રાહિત વ્યક્તિનો ખોટો અંગુઠો લઈ આ જમીન બારોબાર વેચી દેતા રાવળ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
આત્મહત્યાની ઉચ્ચારી ચીમકી: જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરનાર ઠાકોર દેવજીભાઈએ રાવળ પરિવારના દીકરાને મારી નાખવાની ધમકી આપતાં આખરે ખેતીલાયક જમીનની ન્યાયિક માંગણીના મુદ્દે રાવળ બબાભાઈએ પોલીસ તંત્ર, વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા આજે આ પરિવારના તમામ સભ્યો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જમીન બાબતે ન્યાય આપો અથવા તો દવા આપો તેવી કલેકટર સમક્ષ માંગ કરી હતી. ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરીશું તેવી ચીમકી રાવળ પરિવારે કલેક્ટર સમક્ષ ઉચ્ચારી હતી. પાટણ જિલ્લા કલેકટરે રાવળ પરિવારના સભ્યોની રજૂઆતને સાંભળી હતી અને આ મામલાની ન્યાયિક તપાસ કરવા આદેશ આપ્યા છે.
- સરકારની પીછેહઠ ! સરકારે 6000થી વધુ TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય કર્યો મોકૂફ
- ભારતીય જળસીમા પરથી ઝડપાયેલા 13 પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ