ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ગરીબોની કસ્તુરી ડુંગળી મોંઘી થઈ

દેશ અને રાજ્યમાં પડેલા ભારે વરસાદની સીધી અસર શાકભાજીના ભાવો પર પડી છે. જેને લઇ પાટણમાં શાકભાજીના ભાવો ઉચકાયા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો ઉચકાતા દરેક પરિવારોનું બજેટ ખોરવાયું છે. તો ગૃહિણીઓ અગાઉ કરતા હાલમાં શાકભાજીની ખરીદીમાં કરકસર કરવા મજબૂર બની છે.

By

Published : Oct 3, 2020, 11:02 PM IST

ગરીબોની કસ્તુરી ડુંગળી મોંઘી થઈ
ગરીબોની કસ્તુરી ડુંગળી મોંઘી થઈ

પાટણઃ ચાલુ વર્ષે ચોમાસામાં દેશના વિવિધ રાજ્યોમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. ખેતરોમાં પાણી ભરાતા તેની સીધી અસર ખેતી ઉત્પાદનો ઉપર પડી છે.

પાટણમાં ગરીબોની કસ્તુરી ડુંગળી મોંઘી થઈ

આ જ રીતે ભારે વરસાદને પરિણામે શાકભાજીનું વાવેતર પણ બગડ્યું છે. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાને કારણે હાલમાં ડુંગળીના ભાવો ઉંચકાયા છે. પાટણમાં નાસિક અને કાઠીયાવાડથી આવતી ડુંગળીનો સ્ટોક પૂરતો ન હોવાને કારણે હાલમાં હોલસેલમાં 30 રૂપિયાથી 38 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહી છે, જ્યારે ડિસેમ્બર માસ સુધી આ પરિસ્થિતિ રહેશે તેવું હોલસેલ વેપારીએ જણાવ્યું હતું.

પાટણની બજારોમાં આગળથી આવતો ડુંગળીનો માલ બંધ થયો છે, જેને કારણે માલની અછત સર્જાઈ છે. લોક ડાઉનમાં છૂટક બજારોમાં 15થી 20 રૂપિયાના ભાવે વેચાતી ડુંગળી હાલમાં 50 રુપિયાના ભાવે બજારમાં વેચાઇ છે. જેને કારણે શાકમાર્કેટમાં પણ ડુંગળીની ખરીદી માટેની ઘરાગી ઓછી જોવા મળી રહી છે. તેથી છૂટક વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

પાટણમાં ગરીબોની કસ્તુરી ડુંગળી મોંઘી થઈ

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે, જેને કારણે દરેક પરિવારોના બજેટ ખોરવાયા છે. એક બાજુ સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડી છે. દરેક લોકો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે. ડુંગળીને દરેક રસોડાનો મેળ કહેવામાં આવે છે. ત્યારે ડુંગળીના ભાવોમાં વધારો થતા ગરીબ અને મધ્યમ પરિવારની હાલત કફોડી બની છે. ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજીના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

ડુંગળી સહિત અન્ય શાકભાજીના ભાવોમાં વધારો થતા ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને હાલમાં તેઓ શાકભાજીની ખરીદીમાં કરકસર કરવા મજબૂર બની છે.

ABOUT THE AUTHOR

...view details