- પાટણમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
- રાજ્યપાલે કોન્ફરન્સના માધ્યમથી તમામને શુભેચ્છા પાઠવી
- મતદારોએ કોઈ ભય, દબાણ કે લાલચ વિના પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા અનુરોધ
પાટણમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
પાટણઃ 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે સોમવારે પાટણ જિલ્લામાં મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને રાજ્ય ચૂંટણી કમિશ્નર કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને તમામ લોકોને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ચૂંટણી આયોગ પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યું છે, ત્યારે મતદારોએ કોઈ ભય, દબાણ કે લાલચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા રાજ્યપાલે અનુરોધ કર્યો હતો. આ સાથે જ રાજ્યપાલે 72માં પ્રજાસત્તાક પર્વની પણ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાષ્ટ્ર પ્રત્યે ફરજ અદા કરવા કલેક્ટરે અનુરોધ કર્યો
આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ જેટલું મહત્વ ધરાવતા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સફળ અને સર્વ સમાવેશી લોકતંત્રમાં જાગૃત મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ થકી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરવાનો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયા અન્ય લોકતાંત્રિક દેશોમાં પણ ઉદાહરણરૂપ છે. જેનું સૌથી મહત્વનું કારણ છે નિષ્પક્ષતા. તમામ પ્રક્રિયા માટે વિસ્તારથી નિયમો બનાવવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થનારા કર્મચારી અધિકારીઓ પણ મતદાતાઓ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, 18 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોને પહેલી આશા ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની હોય છે, ચૂંટણી કાર્ડ મેળવવાની નહીં. આ વિચારધારાની બદલી યુવા મતદાર પોતાના મતદાન પ્રત્યે જાગૃત અને પ્રોત્સાહિત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.