પાટણની MN હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક સ્પોકન ઈંગ્લીશ વર્ગોનો પ્રારંભ પાટણ :આજના ટેકનોલોજી અને હરીફાઈના યુગમાં નાનપણથી જ બાળકો અંગ્રેજી વિષયમાં પોતાનું પ્રભુત્વ મેળવી કૌશલ્ય સાધી શકે તે માટે વાલીઓ દ્વારા નાનપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવતા હોય છે. અને તે માટે મોંઘી ફી પણ ભરી રહ્યા છે. તો બીજી તરફ બાળકોને વિદેશમાં અભ્યાસ અર્થે મોકલવા વાલીઓ મોટા શહેરોના ખાનગી ટ્યુશન ક્લાસિસમાં અંગ્રેજી શીખવા માટે મૂકતા હોય છે. તે માટે પણ કમરતોડ ફી ભરવી પડતી હોય છે.
સ્પોકન ઈંગ્લીશ વર્ગ : પાટણમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન હાઈસ્કૂલમાં એક નવતર પહેલ કરવામાં આવી છે. આજના વર્તમાન યુગમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે અંગ્રેજી વિષયમાં કૌશલ્ય મેળવી સારી રીતે અંગ્રેજી બોલી શકે સમજી શકે તે જરુરી છે. જેના થકી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરળતાથી પરફોર્મન્સ કરી શકે તેવા ઉમદા હેતુથી શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા શાળામાં એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાઇસ્કુલમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે અંગ્રેજી સ્પોકન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
નિઃશુલ્ક સ્પોકન ઈંગ્લીશ વર્ગોનો પ્રારંભ
સ્પોકન ઇંગ્લિશ એ માત્ર આવશ્યક સંદેશા વ્યવહાર કૌશલ્ય જ નથી. પરંતુ શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતા માટેનું મુખ્ય પરિબળ પણ છે. આ પહેલનો ઉદ્દેશ ભાષાના અંતરને દૂર કરવાનો અને વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા સાથે સશક્તિકરણ કરવાનો છે. સ્પોકન ઇંગ્લીશ વર્ગોનું આયોજન શાળાના અંગ્રેજી શિક્ષક દ્વારા શાળા સમય સિવાયના વધારાના સમયમાં આયોજિત કરવામાં આવશે. -- ધનરાજ ઠક્કર (આચાર્ય, એમ.એન. હાઈસ્કૂલ)
ઉમદા પહેલ : પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીએ આજે વિધિવત રીતે સ્પોકન ઇંગલિશ વર્ગો વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મુક્યા હતા. શાળાના સંચાલકો અને શાળાના નવનિયુક્ત આચાર્ય ધનરાજભાઈ ઠક્કરને આ ઉમદા પહેલ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ગોમાં જે શીખશો તે પરીક્ષાનું ભારણ નથી. આ વર્ગોમાં તમે સારી રીતે તૈયાર થશો તો તમે અંગ્રેજી ભાષાથી સમૃદ્ધ થશો. CA, IIT સહિતના અન્ય અંગ્રેજી માધ્યમના અભ્યાસક્રમોમાં જવાનું થશે. ત્યારે તમે સરળતાથી આગળ વધી શકશો.
મોંઘીદાટ ફી માંથી છુટકારો : શાળાના નવ નિયુક્ત આચાર્ય ધનરાજભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને IELTS ની મોંઘીદાટ ફી માંથી છુટકારો મળે અને તેઓ વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે થઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. તેવા ઉમદા હેતુથી એમ. એન. હાઈસ્કૂલમાં સ્પોકન અંગ્રેજીના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
- International Women's Day: બારડોલીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 45 શિક્ષિકાઓએ 45 મિનિટ સુધી યોગ કર્યા
- Surat Crime : સુરતમાં સ્પોકન ઇંગલિશના નરાધમ શિક્ષકે શિક્ષણ જગતને કલંકિત કર્યું