સરહદ નજીક આવેલી પાટણ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મતક્ષેત્રોનો સમાવેશ થાય છે. જેમાં વડગામ, ખેરાલુ, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે. વર્ષ 1952થી 2004 સુધી આ બેઠક અનામત હતી, ત્યારબાદ નવા સીમાંકન આધારે વર્ષ 2009માં આ બેઠક બિનઅનામત બનતા ઓબીસી મતદારોનું પ્રભુત્વ હોવાથી વર્ષ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનો વિજય થયો હતો.
પાટણ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદારો ઓબીસી જ્ઞાતિના છે. આ ઉપરાંત પાટીદાર, લઘુમતી મતદારોનું પ્રભુત્વ હોવાથી આ મતદારો દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થયાં છે. ખાસ કરીને સરહદી વિસ્તાર એવા રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હંમેશા રહી છે. આ બેઠકમાં કોઈ મોટા ઉદ્યોગો કે ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન પણ હંમેશા ચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી બંન્ને રાજકીય પક્ષે ઓબીસી ઉમેદવારની પસંદગી થશે તેમ મનાય છે. આને જોતાં સૌથી વધુ મતદારો ધરાવતાં ઠાકોર સમાજમાંથી જ બંન્ને પક્ષ ઉમેદવારોની પસંદગી કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં ઉતારે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે ભાજપ પક્ષ તરફથી ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, કાંકરેજના કીર્તિસિંહ વાઘેલા, ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોર અને મહેસાણાના ઉદ્યોગપતિ જુગલજી ઠાકોરના નામ પણ ચર્ચામાં છે. ભાજપ આ બેઠક પર નવો ચહેરો મુકી શકે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.