- MBBS ઉત્તરવહી કૌભાંડમાં મામલે NSUIએ નોંધાવ્યો વિરોધ
- NSUI દ્વારા કુલપતિને રમકડાની ઢીંગલી અપાઇ
- અગાઉ પણ NSUI દ્વારા કુલપતિને બંગડી સાડી તેમજ નકલી નોટો અપાઇ હતી
પાટણ: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચર્ચાસ્પદ MBBS ઉત્તરવહી ગુણ કૌભાંડની તપાસનો પુનઃ ધમધમાટ શરૂ થયો છે અને ગૃહ વિભાગના તપાસ અધિકારીએ યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી ઉત્તરવહીઓ સાથેનો અહેવાલ મંગાવ્યો છે. ત્યારે કુલપતિ આ કૌભાંડને છાવરતા હોવાનો આક્ષેપ કરી તેઓ બાળક બુદ્ધિથી નિર્ણયો કરે છે અને વહીવટી ધુરા સંભાળવામાં સક્ષમ ન હોઈ NSUIના કાર્યકરોએ આજે કુલપતિ ડૉ. જે. જે. વોરાને તેમની ચેમ્બરમાં ઢીંગલીનું રમકડું આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ કુલપતિને આવેદનપત્રની સાથે પ્લાસ્ટિકની ઢીંગલી અર્પણ કરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયેલા MBBS ઉત્તરવહી કૌભાંડ મામલે મંદ બનેલી તપાસ અને બે બે વખત મળેલી કારોબારી બેઠકમાં પણ આ કૌભાંડ બાબતે કોઈ પ્રકારની ચર્ચાઓ નહીં કરીને આ સમગ્ર કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાતા હોવાના આક્ષેપ વચ્ચે ગુરૂવારના રોજ વિદ્યાર્થી સંગઠનના કાર્યકરોએ કુલપતિને આવેદનપત્રની સાથે પ્લાસ્ટિકની ઢીંગલી અર્પણ કરી બાળક બુદ્ધિ ધરાવતા કુલપતિએ પોતાના પદ ઉપર બેસવાનો હક્ક ન હોવાનું જણાવી બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.