- માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવમાં જોવા મળ્યો ઉછાળો
- છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને ચાલુ વર્ષે મળ્યા છે સારા ભાવ
- માર્કેટમાં રાયડાની 19 હજાર બોરીની થાય છે પ્રતિદિન આવક
- એરંડામાં પણ ખેડૂતોને મળ્યા છે સારા ભાવ
- માર્કેટમાં એરંડાની 4 હજાર બોરીની થાય છે આવક
પાટણ:જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે, ત્યારે ચાલુ વર્ષે સારા વરસાદને લઇ જિલ્લાના ખેડૂતોએ આશરે 50 હજારથી વધુ હેક્ટર જમીનમાં રવી સીઝનમાં અલગ-અલગ ખેત પેદાશોનું મબલક વાવેતર કર્યું હતું. હાલમાં પાકની લણણી લીધા બાદ તેના વેચાણ માટે ખેડૂતો પાટણના માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લાવી રહ્યા છે. જેને લઇ માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે. હાલમાં માર્કેટયાર્ડમાં રાયડો, એરંડા, કપાસ, બાજરી અને રાજગરાની આવકો જોવા મળી રહી છે.
આ પણ વાંચો:રાજકોટ યાર્ડમાં આ વર્ષે મરચાનો ભાવ રૂ. 2200થી 3200 મળતા ખેડૂતોમાં ખુશી
રાયડાના ભાવમાં 200નો ઉછાળો
ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાયડાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે રાયડાના ભાવમાં 200નો ઉછાળો આવ્યો છે. રાયડાના મણદીઠ રૂ. 950થી 1050ના ભાવ બોલાતા છેલ્લા 10 વર્ષના સમયગાળામાં ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળ્યા છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રાયડાની 19 હજાર બોરીની પ્રતિદિન આવક નોંધાઇ રહી છે તો બીજી તરફ એરંડાની 4 હજાર બોરીની આવક સામે મણદીઠ 900થી 950ના ભાવે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે. જ્યારે રોકડિયા પાક એવા જીરાના ભાવ મણદીઠ 2 હજારથી 2600ના ભાવ રહ્યા છે.