ગોધરા શહેરની લગભગ મધ્યમાં પથ્થર તલાવડી વિસ્તાર આવેલો છે અને એક નાનકડી તલાવડી પણ આવેલી છે જેને ફરતે 300 જેટલા શ્રમજીવી વર્ગના લોકોના મકાનો આવેલા છે. આ મકાનોમાં 900થી પણ વધારે નાનામોટા લોકો રહે છે જે રોજેરોજની મજૂરી કરી પેટિયું રડી લેતા અહીંના રહીશો હાલ નરકાગારમાં રહેતા હોય એવા દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ નાનકડી તલાવડીમાં ભરાયેલું પાણી હાલ અહીં રહેતા લોકોના ઘરમાં ઘુસી ગયું છે અને એ ગંદકી હાલ આ લોકોના ઘરમાં ઘુસી રહી છે અને આવી પારાવાર ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખુબ જ વધી ગયેલો છે. જેનાથી આવનાર સમયમાં અહીં રહેતા લોકો મોટી માંદગીમાં પટકાય એવા પુરા સંજોગો દેખાઈ રહ્યા છે.
ગોધરાના પથ્થર તલાવડીના રહીશો ગંદકીથી હેરાન પરેશાન
ગોધરાઃ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ પંચમહાલના પાટનગર ગોધરા જેને સ્વચ્છતામાં મોખરે હોવાનો દાવો કરાય છે પણ હકીકત એનાથી તદ્દન વિપરીત છે કેમકે અહીં આવેલ પથ્થર તલાવડી વિસ્તારમાં 300થી વધારે મકાનોમાં રહેતા 900થી વધારે રહીશો ગળાડૂબ પાણીમાં ડૂબેલ ઘરમાં રહે છે અને પારાવાર ગંદકીમાં કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. તેમજ જાહેરમાં શૌચાલય ન કરે લોકો તેથી માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારના લોકોને જાહેરમાં શૌચ કર્યા વગર કોઈ છૂટકો જ નથી.
સમગ્ર મામલે દર ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે વધુમાં અહીંના રહીશો માટે શૌચાલયની સુવિધા પણ ન હોવાથી અહીંના લોકો શૌચક્રિયા માટે પણ તળાવનો ઉપયોગ કરતા હોવાથી ગંદકી વધી જાય છે. જેમાં ખાસ કરીને મહિલાઓએ આનો સામનો કરવો પડે છે. વહેલી સવારના અંધારાના સમયમાં મહીલાઓએ શૌચક્રિયા કરવા જવું પડે છે એ પણ જાહેર માર્ગ કે અન્ય કોઈ જગ્યાએ અને જો અજવાળું થઈ જાય તો તે મહિલાઓ ક્ષોભભરી સ્થિતિમાં મુકી જાય છે. હાલ તો ઉકરડા ઉપર રહેતા હોય તેમ અહીંના રહીશો માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને અહીં ભરાયેલા પાણી જે લોકોના ઘરોમાં ભરાયેલા છે તેને પમ્પ મૂકીને પાણી ઓછું કરવાની વ્યવસ્થા કરવામાં નથી આવતી ત્યારે મીડિયા દ્વારા પાલિકા પ્રમુખને જાણ કરવામાં આવતા તપાસ કરીને ઘટતા પગલાં ભરવા આશ્વાસન આપવામાં આવ્યું છે.