હાલોલમાં રકતદાન અને મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
પંચમહાલઃ જિલ્લા પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે હાલોલ GIDCમાં રીંકી ચોકડી નજીક આવેલી પોલીસ ચોકી ખાતે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર સહિત લાયન્સ ક્લબના સભ્યો તેમજ જનતાએ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિરમાં 76 યુનિટ બોટલ દાન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ પોલીસ પરિવાર અને હાલોલ લાયન્સ ક્લબ દ્વારા જાહેર જનતાના લાભાર્થે યોજાયેલા મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં હોલોલ પોલીસ પરિવાર લાયન્સ ક્લબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં હાલોલ નગર તથા તાલુકાની પ્રજાએ હાજર રહીને નિઃશુલ્ક મેડિકલ સારવારનો લાભ લીધો હતો. જેમાં વડોદરા તાજપુરા અને હાલોલના નિષ્ણાંત તબીબો તેમજ તેમની ટીમો દ્વારા 255 જેટલા ડાયાબિટીશના દર્દીઓની અને 610 જેટલા અન્ય બિમારીઓના દર્દીઓની ચકાસણી કરી નિઃશુલ્ક દવાનું વિતરણ કર્યું હતું. જ્યારે 'રક્તદાન એ મહાદાન' સૂત્રને સાર્થક કરી પોલીસ પરિવારના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, લાયન્સ ક્લબના સભ્યો તેમજ ઉપસ્થિત લોકોએ 76 યુનિટ બોટલનું રક્તદાન કર્યું હતું. તે ઉપરાંત હાજર તમામ લોકો માટે હાલોલ લાયન્સ ક્લબ દ્વારા ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.