ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ઘોઘંબા અને મોરવા હડફમાં સિંચાઈની તકલીફ

પંચમહાલઃ જિલ્લામાં હાલ મેઘરાજાએ મહેર વરસાવવાનું બંધ કરી દીધુ છે. ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હાલ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને માત્ર વરસાદ આધારિત ખેતી કરતા જિલ્લાના ઘોઘંબા અને મોરવા હડફ તાલુકાના ખેડૂતોની સ્થિતિ ખુબ જ કફોળી બની છે. જ્યારે ઘોઘંબા તાલુકાના 70 જેટલા ગામોમાં સિંચાઈની કોઈ સગવડ જ નથી.

By

Published : Jul 30, 2019, 1:32 PM IST

પંચમહાલના ઘોઘંબા અને મોરવા હડફમાં સિંચાઈની તકલીફ

પંચમહાલ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ મહેર વરસાવી હતી અને જેને લઈને સમગ્ર જિલ્લાના તમામ ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું હતુ. પરંતુ હાલ મેઘરાજા જાણે પંચમહાલ જિલ્લા પર રીસાયા હોય તેમ છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી જિલ્લામાં ખેતીલાયક વરસાદ ન વરસતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.

પંચમહાલ જિલ્લાના કુલ 1.70 લાખ વાવેતર લાયક વિસ્તાર આવેલો છે. જે પૈકી હાલ કુલ 1.19 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા મકાઈ, બાજરી , ડાંગર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે. પરંતુ હાલ જિલ્લામાં વરસાદ ન આવવાથી આ તમામ પાક હાલ સુકાવાના આરે આવી ગયો છે.

પંચમહાલના ઘોઘંબા અને મોરવા હડફમાં સિંચાઈની તકલીફ

પંચમહાલ જિલ્લામાં આવેલા 7 તાલુકાઓ પૈકી ઘોઘંબા અને મોરવા હડફ તાલુકાના ખેડૂતો માત્ર વરસાદ આધારિત જ ખેતી કરે છે. આ બંને તાલુકાઓમાં સરકાર દ્વારા હજુ સુધી સિંચાઈની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ બંને તાલુકાઓમાં નથી તો કોઈ કેનાલ કે નથી કોઈ અન્ય સિંચાઈની સુવિધા...માત્ર વરસાદ પર આધાર રાખતા આ બંને તાલુકાના ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદ આવતા વાવેતર કરવામાં આવ્યું હતું.

પરંતુ બીજા રાઉન્ડમાં વરસાદ ન આવતા હાલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બંને તાલુકાઓમાં સરકાર દ્વારા 'સુજ્લામ સુફલામ જળસંચય યોજના' હેઠળ બન્ને તાલુકામાં આવેલા તળાવો ઊંડા તો કરવામાં આવ્યા પણ હાલ વરસાદ ન આવવાને કારણે તળાવો પણ પાણી વિના જ રહી ગયા છે.

ખાસ કરીને પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખેડૂતોની સ્થિતિ ખુબ જ દયનીય બની છે. વરસાદ ખેંચાતા મોંઘા ભાવના બિયારણ પણ હાલ નિષ્ફળ જવાની આરે આવી ગયા છે. ત્યારે ખેડૂતો દ્વારા હાલ સરકાર પાસે માગણી કરવામાં આવી રહી છે, કે પંચમહાલ જિલ્લાના આ બંને તાલુકાઓમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે નહેર કેનાલની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો હાલ તળાવોને રીચાર્જ કરવામાં આવે.


ABOUT THE AUTHOR

...view details