પંચમહાલ જિલ્લાનું નામ આવતાની સાથે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે. ગોધરા ખેડૂતોને ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સિંચાઇ માટેનું પાણી ના આપવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા હોવા છતાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. ધારાપુર ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે, આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તેમજ સિંચાઈ માટે માઇનોર કેનાલો આવેલી છે.
પંચમહાલના શહેરામાં ગ્રામીણ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન મળતા ડાંગરનો પાક સૂકાયો
પંચમહાલઃ શહેરા પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઇ માટેની માઇનોર કેનાલમાં પાણી ન છોડવાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ ગયો છે. વધુમાં પાક સુકાઈ જવાને કારણે બિયારણ તેમજ ખેતી માટે લીધેલી ખર્ચાની લોન હવે ચૂકવી શકાય નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આ પાણી છોડવા બાબતે અમે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.
ધારાપુર ગામ પાસે આવેલા ગુણેલી ગામના તળાવમાં પાનમ સિંચાઇ યોજનાનું પાણી નાખવામાં આવે છે. માઇનોર કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. આ વિસ્તાર 2 હેક્ટર જેટલો છે, પરંતુ ધારાપુરના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે, અમને ખેતી માટે પાણી આપવામાં આવતું નથી. તેના કારણે અમારો ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે. પાણી છોડવા બાબતે અમે જવાબદાર તંત્રને ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ પરિણામ જોવા મળતું નથી. અમે ડાંગર પાક માટે બેંકમાંથી લોન પણ લીધી હતી તેમજ બિયારણ અને તેની પાછળ ઘણ ખર્ચો કર્યો છે, તે પણ માથે પડ્યો છે.