પંચમહાલમાં લોકસભા ચૂંટણીને લઇને સુરક્ષાદળોની ફ્લેગમાર્ચ
પંચમહાલઃ જિલ્લામાં આગામી 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે માટે આજે શહેરા નગરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં CISFના જવાનો તેમજ શહેરા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી 23 એપ્રિલના રોજ યોજાવાની છે, તેને લઈને આજે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના PI એન. એમ. પ્રજાપતિની આગેવાની હેઠળ CISFની ટુકડીના 30 જવાનો તેમજ શહેરા પોલીસ મથકના 15 પોલીસ કર્મીઓ દ્વારા શહેરાના માર્ગો પર ફ્લેગમાર્ચ કરાઈ હતી. જેમાં તાલુકાના નાંદરવા, વાઘજીપુર, નાડા, મોરવા (રેણા), તરસંગ, વાડી, વલ્લવપુર સહિતના ગામોમાં અને તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી આર્મીના જવાનો વાકેફ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સંદર્ભે આ ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.