પંચમહાલઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડૉ. પ્રવીણ તોગડીયા આજ ગોધરા ખાતે પરિષદના હોદ્દેદારોના ઘરે શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા. ડૉ. પ્રવીણ તોગડીયા સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરીને રામ મંદિર વિષયક તેમના સંઘર્ષ વિશે વિગતવાર અને તબક્કાવાર જાણ્યું હતું. ડૉ. પ્રવીણ તોગડીયાને ઈટીવી ભારતે સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં આપેલા ચુકાદા વિશે પણ પુછ્યું હતું. જેના જવાબમાં ડૉ. તોગડીયાએ હંમેશની જેમ પોતાની આગવી અદામાં નિર્ભય પ્રતિક્રિયા આપી હતી.
અપ્રતિમ સંઘર્ષઃ રામ મંદિર માટે અમે લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નો આજે સફળ થયા છે. એનો અમને આનંદ છે જેને લઈ આજે આખું ભારત આનંદની લાગણી અનુભવી રહ્યું છે એમ કહેતા ડૉ. તોગડીયાએ સમગ્ર રામ મંદિર સંઘર્ષના મહત્વના મુદ્દા જણાવ્યા હતા. તેમના મતે 1984થી એટલે કે 40 વર્ષોથી આ સંઘર્ષ ચાલ્યો આવે છે. 1986માં રામયાત્રા શરૂ કરી હતી. 1989માં ડૉ. તોગડીયાએ બાબર મસ્જિદનો ઢાંચો હતો ત્યાંરે રામ મંદિર કેવુ બનશે એનું મોડલ અમદાવાદમાં બનાવ્યું. આ મોડલને તીર્થ પ્રયાગરાજના કુંભમાં સંતોને પણ બતાવ્યું હતું. કુંભ મેળામાં ડૉ. તોગડીયા અને તેમના સહયોગીઓએ સવા રૂપિયાની એક ટિકિટ બનાવી. જેના થકી આઠ કરોડ ચાલીસ લાખ જેટલા રૂપિયા ભેગા થયા હતા. જેમાંથી તેમણે પથ્થરની ખરીદી કરી હતી અને આજે એ જ પથ્થર રામ મંદિરમાં કામમાં લાગી રહ્યા છે. 32 વર્ષ સુધીનો સમય પથ્થર તૈયાર કરવામાં લાગ્યો હોવાનું ડૉ. તોગડીયા જણાવે છે.
વિવિધ કાર સેવાઓઃ 9 નવેમ્બર 1989માં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ રામકૃષ્ણ પરમ હંસના અનુયાયી મહંત વૈદનાથ અને અશોક સિંગલે કર્યો. 1990માં ગીતા જયંતી પર મુલાયમ સિંહ યાદવની સરકાર હતી ત્યારે ફરી કારસેવા યોજવામાં આવી. ડૉ. તોગડીયા જણાવે છે કે ગોળીઓ ચાલી, લોહી વહ્યું છતા ભગવો લહેરાવ્યો. 6 ડિસમેબર 1992માં ફરી કારસેવકોએ બાબરનો ઢાંચો તોડી પાડ્યો અને તૂટેલા પથ્થરો પણ સાથે લઈ આવ્યા હતા. જેથી ફરીથી એનો ઉપયોગ કોઈ ના કરી શકે. ચોથી કારસેવા 21 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં કારસેવકો અયોધ્યામાં હાજર રહ્યા હતા. આજે આટલા સંઘર્ષ બાદ આખરે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. ડૉ. તોગડીયા 22મી જાન્યુઆરીએ તેમના સંકલ્પ વિશે ઉત્સાહથી જણાવ્યું હતું કે 8 કરોડ દિવડાં પ્રજ્વલિત કરી કાશી અને મથુરામાં પણ ભવ્ય મંદિરો બનાવાનો સંકલ્પ કરીશું.
ચૂંટણી અને બિલકિસ કેસ વિશે પ્રતિક્રિયાઃ લોકસભા ચૂંટણી 2024 વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે, હું રામ અને કાશી વિશ્વનાથવાળો છું. ચૂંટણી વિશે ચૂંટણીવાળા લોકોને પુછો તેમ કહીને તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. બિલકિસ કેસમાં સુપ્રીમે આપેલા ચુકાદા વિશે પુછતા તેમણે જણાવ્યું કે, દરેક હિન્દુનું રક્ષણ થવું જોઈએ અને દરેક હિન્દુને સન્માન મળવું જોઈએ.
22મી જાન્યુઆરીએ 450 વર્ષ પછી આ પ્રસંગ આવ્યો છે. અમે સમગ્ર દેશમાં 8 કરોડ દીવડાં પ્રગટાવીને અયોધ્યાની જેમ જ કાશી અને મથુરામાં ભવ્ય મંદિરો બને તેવો સંકલ્પ કરીશું...ડૉ. પ્રવીણ તોગડીયા(સંસ્થાપક, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ)
- મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા
- બાબરી ધ્વંશ મુદ્દે ન્યાય થયો, ચૂકાદામાં સમય લાગતા વૃદ્ધ નેતાઓને મુશ્કેલી વેઠવી પડીઃ તોગડિયા