પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં છેવાડે આવેલા વલ્લવપુર ગામ પાસેથી મહી નદી પસાર થાય છે. વલ્લભપુર ગામની આસપાસ આવેલા 30 જેટલા અન્ય ગામોનો લોકોનો રોજીંદો વ્યવહાર જેમકે નોકરીધંધા, તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે નદીની સામે આવેલાં મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં જવું પડે છે.
નાવડીમાં બાઇક મૂકીને કરાય છે જોખમી મુસાફરી વલ્લવપુર ગામ પાસે આવેલી મહી નદીના કિનારેથી મશીનબોટમાં બેસીને અહીંના સ્થાનિક લોકો નદીમાં એક કિલોમીટરની જળયાત્રા કરીને સામે કાંઠે આવેલા મહિસાગર જિલ્લાના વનોડા ગામેને કિનારે ઉતરે છે. ત્યાંથી બાલાસિનોર તાલુકા મથક 8 કી.મી. જેટલું અંતર ધરાવે છે. પરંતુ વલ્લભપુર તેમજ આસપાસના ગામના રસ્તાથી બાલાસિનોર જવા બે રસ્તા છે. એક વાયા સેવાલિયા થઈને તેમજ બીજો રસ્તો કોઠંબા થઈને આગરવાડા બ્રિજ થઈને દેવચોકડી વાયા બાલાસિનોર પહોંચે છે. આ બંન્ને રસ્તાનુ અંતર 40 કિલોમીટર જેટલું છે.
આ રોડ દ્વારા બાલાસિનોર તાલુકામાં પહોંચવામાં સમય જાય છે. આથી લોકો નાવડીમાં જવાનો જળમાર્ગ પસંદ કરે છે. આ જળયાત્રામાં જે વલ્લભપુરની આસપાસના નોકરીયાતો પોતાની બાઇક નાવડીમાં મૂકીને રોજ અપડાઉન કરે છે. આ તેમનો રોજીંદો ક્રમ બની ગયો છે. શિયાળા અને ઉનાળાની સીઝનમાં આ રીતે લોકો રોજિંદી અવરજવર કરે છે પણ ચોમાસામાં મહીં નદીમાં પાણીનો પ્રવાહ વધી જવાને કારણે કોઈ નાવડી વાળાઓ પણ પોતાની નાવડી ફેરવતા નથી. આથી લોકોને 40કીમી નું અંતર કાપીને ફરજિયાત બાલાસિનોર પંથકમાં જવું પડે છે. હાલમાં 6 જેટલી મશીનબોટ વાળી નાવડીઓ બે કિનારા વચ્ચે ફરીને રોજિંદી અંદાજિત 1000 જેટલા લોકોને અવરજવર કરાવે છે.
અહીંના સ્થાનિક અગ્રણીઓએ વનોડા અને વલ્લવપુર ગામની વચ્ચે પુલ બનાવાની માંગ જવાબદાર તંત્રમાં આ અંગે લેખિત રજૂ આતો પણ કરવામાં આવી છે છતાં પરિણામ જોવા મળતું નથી. એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના લોકોની પુલ બનાવાની માંગ સરકાર પુરી કરશે ખરી? કે પછી સરકારની આંખ કોઈ જાનહાની નહિ સર્જાય ત્યાં સુધી નહિ ખુલે કે કેમ તે જોવું રહ્યું.