પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમ અને કબુતરી ડેમના વિસ્થાપિતોને આપવામાં આવેલ જમીન ગોધરા તાલુકાના કાલીયા વાવ ગામે આવેલી છે. આ જંગલ જમીન પર મંગળવાર રાત્રે અમુક લોકો દ્વારા અવરજવર કરવાની શરૂઆત કરાઇ હતી. બાદમાં બુધવાર વહેલી સવારે ૩૦૦થી વધુ લોકો એકઠાં થઈને જંગલ વિસ્તારને સાફ કરી તેની પર ખેડાણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. જેની બાતમી વનવિભાગને મળતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વન કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વનવિભાગના અધિકારીઓ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ તેમજ જંગલની જમીન પર કબજો કરી રહેલા લોકોને અટકાવતા મામલો ગરમાયો હતો. જેથી વનવિભાગ દ્વારા પોલીસને જાણ કરાતાં ગોધરા તાલુકા પોલીસ મથકનો પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસે ગેરકાયદેસર જંગલની જમીન પર કબજો મેળવતા વ્યક્તિઓમાંથી 300 પૈકી 70ની અટકાયત કરાઇ હતી. તેમજ પોલીસે ઘટના સ્થળેથી મારક હથિયારો જેવા કે તીર કામઠું , લાકડીઓ , કુહાડી પણ કબજે કર્યા હતા. ઝડપાયેલા વ્યક્તિઓ ક્યાંના છે અને કેમ અહીં આવ્યા હતા? તેેની તપાસ પોલીસ દ્વારા કરાઇ હતી. જેમાં જંગલની જમીન પર કબજો કરવામાં આવેલા વ્યક્તિઓ સતી પતિ પંથના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. તેમજ ઝડપાયેલા વ્યકિતઓ પાસેથી મળી આવેલા આઈ ડી કાર્ડ પરથી પણ જાણવા મળ્યું હતું કે, જંગલની જમીન પર કબજો કરવા માટે એસી ભારત સરકાર નામના સંગઠનના નેજા હેઠળ આ લોકો એકઠા થયા હતા . ભાઈજી કટારા નામના વ્યક્તિ કે જે પોતે સતી પતિ પંથમાં સભ્ય પદ ધરાવે છે. તેના દ્વારા પંચમહાલ, દાહોદ અને વ્યારાના ગ્રામ્યવિસ્તારના લોકોને ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે સરકાર દ્વારા જંગલની જમીન સસ્તા દરે આપવામાં આવનાર છે. તેમ જણાવી લોકો પાસેથી નાણા ઉઘરાવી એકઠા કર્યા હતા. જો કે, આ મુખ્ય ઘટનાનો મુખ્ય આરોપી હાલ પોલીસ પકડની બહાર છે .