વર્ષોની માગ પછી પણ નવસારી રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ કાગળોમાં અટવાયો
નવસારી શહેરમાં રેલવે ફાટક બંધ કરી, ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર પ્રોજેકટ હેઠળ રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજના છે. પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે વર્ષો વીતવા છતાં ઓવરબ્રિજ આજે પણ કાગળોમાં જ અટવાઈ રહ્યો છે. બે વાર ડિઝાઇન બદલાયા બાદ અંતે ઓવરબ્રિજની ડિઝાઇન મંજૂર થઈ, પણ હવે સૈદ્ધાંતિક અને તાંત્રની મંજૂરી નહીં મળવાને કારણે ઓવરબ્રિજ હજી પણ કાગળોમાં જ અટવાયેલો રહ્યો છે. જેને લઈને ચોમાસામાં શહેરીજનોએ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડશે.
નવસારી: ભારત સરકાર દ્વારા માલગાડીઓ માટે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર પ્રોજેકટ હેઠળ, પ્રથમ ચરણમાં દાદરીથી મુંબઇ સુધી રેલવે ટ્રેક નાંખવાનું કામ ગતિ પકડી ચૂક્યુ છે. જેમાં નવસારી જિલ્લામાં આવતા રેલવે ફાટકોને બંધ કરી, 10 રેલવે ઓવરબ્રિજ બનાવવાની યોજના છે. જેમાં ચાર ફાટક છોડીને 6 ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું છે અને ગાંધીસ્મૃતિ અને સાગરા ફાટકના ઓવરબ્રિજ પૂર્ણતાને આરે પહોંચી ગયા છે. પરંતુ નવસારી શહેરમાં ફાટક નં. 127 બંધ કરી, ઓવરબ્રિજ બનાવવાની યોજના સ્થાનિક રાજકારણને કારણે અટવાતી રહી છે. જેમાં પ્રથમ ઓવરબ્રિજની ડિઝાઇન મતોના રાજકારણમાં અટવાયા બાદ, તેને પડતી મુકાઈ હતી. બાદમાં અંડર પાસ મંજૂર કરાયો હતો, પણ ચોમાસામાં ટ્રાફિક સમસ્યા, જેમની તેમ રહેવાની શક્યતાને જોતા પાલિકાએ ફરી શહેરના બંદર રોડ પરથી પૂર્ણા નદીના રેલવે બ્રિજ પાસેથી ટર્ન લઈ રીંગ રોડ સુધી યુ-પીન આકારની ડિઝાઇન બનાવી છે અને ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય રાજ્ય માર્ગ અને મકાન વિભાગને સોંપાયુ છે.