- વડોદરાથી 21 જવાનો અને બે અધિકારી સાથે NDRF ટીમ નવસારી પહોંચી
- નવસારીમાં બે દિવસો દરમિયાન કાંઠામાં ફરી રેકી કરી સ્થિતિને પહોંચી વળવાનું કરશે આયોજન
- વાવાઝોડાને ધ્યાને રાખી કાંઠાના 16 ગામોને કરાયા છે એલર્ટ
નવસારી:ગુજરાતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે દરિયાઈ આફત કાંઠે ટકરાઈ એવી સંભાવના વર્તાઈ રહી છે. અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર નવસારીના 52 કિમીના દરિયાકાંઠે પણ થઈ શકે છે. જેમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે, ત્યારે વિકટ સ્થિતિને પહોંચી વળવા વડોદરાથી NDRFની એક ટીમ નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃવલસાડની માછીમારી કરવા ગયેલી 16 બોટને વાવાઝોડાને પગલે પરત બોલવાઈ
નવસારીમાં વાવાઝોડાની અસરમાં ભારે પવનો સાથે વરસાદ થઇ શકે છે
અરબી સમુદ્રમાં ઉઠેલું તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના વધી છે. 18મેએ પોરબંદર અને કચ્છના વિસ્તારોના કાંઠામાં તબાહી મચાવી શકે છે. જેની અસર નવસારી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે, ત્યારે જિલ્લા તંત્ર દ્વારા સતર્કતા દાખવી દરિયાકાંઠાના 16 ગામોને એલર્ટ કરી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી છે.
આ પણ વાંચોઃતૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ
NDRFની ટીમ નવસારીના જલાલપોર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે
જેના ભાગરૂપે વડોદરાથી 21 જવાનો અને બે અધિકારીઓ સાથે NDRFની ટીમ નવસારી પહોંચી હતી. ભારે પવન અને વરસાદમાં ઉપસ્થિત થતી ગંભીર પરિસ્થિતિઓને પહોંચી વળવા આધુનિક ઉપકરણો સાથે NDRFના જવાનો વાવાઝોડાની સ્થિતિ ઉદ્દભવે તો બચાવ કામગીરી માટે સુસજ્જ થયા છે. હાલ NDRFની ટીમ નવસારીના જલાલપોર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે કાંઠાના ગામોમાં ફરી સ્થિતિને પહોંચી વળવા માટેનું આયોજન કરશે.