નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજગામના ધર્મેશ પટેલ જેઓ છેલ્લા 12 વર્ષોથી 2.5 વીઘાના ખેતરમાં 110 આંબાના ઝાડોમાં સજીવ ખેતીના થકી કેરીનો સારો પાક મેળવી રહ્યા છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનો પાક ઓછો ઉતરે છે, ત્યારે સજીવ ખેતીને કારણે ધર્મેશ પટેલ 160 થી 170 મણ કેરી ઉતારે છે. આ વર્ષે પણ તેમણે અત્યાર સુધીમાં 40 મણ કેરીનો પાક ઉતાર્યો છે. જેમાં એક ફળ 200 થી 450 ગ્રામ સુધીનું અને આ ફળની મીઠાશ પણ કેરીના રસીયાઓને તૃપ્ત કરી રહી છે. સાથે જ જ્યાં કેરી બજારમાં એક મણનો ભાવ 900 થી 1200 રૂપિયા છે, ત્યાં ધર્મેશ ઓર્ગેનિક કેરીના 1500 થી 1800 રૂપિયા મેળવી રહ્યા છે. વધુમાં આ કેરીની માગ નવસારી સહિત સુરત, વડોદરા અને મુંબઈમાં પણ રહે છે. આ જોઈ ધર્મેશની જેમ નવસારીમાં ઘણા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.
ઓર્ગેનિક કેરીએ ખેડૂતોને રળી આપી બમણી આવક, જુઓ કેવી રીતે
નવસારીઃ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે ત્યારે દર વર્ષે વધતી ગરમીને કારણે કેરીનો પાક પણ દિવસે દિવસે ઘટતો જાય છે. જેથી સજીવ ખેતી ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે. રાજ્યમાં પ્રથમ લખત નવસારી જિલ્લામાં સજીવ ખેતીને પ્રોત્સાહન મળ્યુ છે જેના કારણે રાસાયણિક ખાતરથી પકવામાં આવેલ કેરી કરતા ઓર્ગેનિક કેરી ખેડૂતોને બમણી આવક મેળવતી સાબિત થઈ છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારીની કેસર કેરીની માગ રાજ્ય સહિત દેશ દુનિયામા પણ વધી રહી છે, પરંતુ છેલ્લા ૫-૬ વર્ષોથી બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી પ્રતિકુળ અસર જણાઇ રહી છે. આ વર્ષે પણ ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર જતા કેરીનો પાક અંદાજે 60 ટકા જેટલો ઓછો ઉતરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોને કેરીનો ઓછો પાક ઉતરતા ભાવો પણ ઓછા મળ્યા હોવાથી આર્થિક નુકશાની પણ વેઠવી પડી છે. ત્યારે નવસારી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મેળવી છે. કારણ કે, રાસાયણિક ખાતરની ખેતી સામે ઓર્ગેનિક ખેતીએ ખેડૂતોને સારા પાક સાથે સારો પોષણક્ષમ ભાવ પણ અપાવ્યો છે.
નવસારી કેવીકેના કૃષિ નિષ્ણાંતોએ પણ સજીવ ખેતીમાં ગાય આધારિત અને પંચગવ્યથી ખેતીને કારણે પાકની ગુણવત્તા સાથે ઉત્પાદન અને આર્થિક દ્રષ્ટિએ પણ લાભકારી હોવાનુ જણાવી રહ્યા છે.