ગેંગ પાસેથી કુલ 2.21 લાખનો મુદ્દામાલ કબજે નવસારી: પોતાની રકમ બેંક કે એટીએમમાંથી ઉપાડીને નીકળતા લોકોને ટાર્ગેટ બનાવી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને મોબાઇલ તેમજ તેઓની રોકડ રકમ તફડાવતી ટોળકી નવસારી પોલીસે ઝડપી છે. આ પ્રકારનો ગુનો આચરતાં ત્રણ ઈસમને નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓ પકડાતા આંતર જિલ્લા ચોરીના ભેદ પણ ખુલ્યાં છે.
ચોરીની ઘટનાઓની ફરિયાદો મળતાં પોલીસ બની સક્રિય : નવસારી શહેરમાં બેંક કે એટીએમમાંથી પોતાની રોકડ રકમ લઈને નીકળતા લોકોને રિક્ષામાં આવતી ટોળકી નજર ચૂકવીને તેઓના રોકડ રકમ તેમજ મોબાઇલ ચોરતી હોય તેવી ઢગલાબંધ ફરિયાદો વધી ગઇ હતી. જેથી આ ટોળકીને પકડવા માટે જિલ્લા પોલીસ પણ પોતાની કમર કસી હતી. રિક્ષામાં ફરતી આ ચોર ટોળકીને પકડવા માટે એલસીબી પોલીસે દરેક બેંકોની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાના તેમજ પોલીસ કંટ્રોલ રૂમના નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.
આ પણ વાંચો Navsari News : વિદેશ ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
બેંકો પાસે સુરત પાસિંગની રીક્ષાઓ નજરે ચડી : નવસારી પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા અને સર્વે કરતા ઘણી જગ્યાએ સુરત પાર્સિંગની રીક્ષા બેંકો અને એટીએમની આસપાસ દેખાઈ હતી. તેથી પોલીસે આ ટોળકીને ઝડપવા માટે વોચ ગોઠવી હતી. જેની વોચ દરમિયાન પોલીસને બાતમી મળતા નવસારી શહેરમાં આવેલા ઝવેરી સડક પાસેના ચાંદની એપાર્ટમેન્ટ નજીક પસાર થતી આ રીક્ષાને અટકાવવામાં આવી હતી. તેમાં મુસાફરના સ્વાંગમાં બેસેલા સઈદ શેખ રઈશ, ઉર્ફે લલ્લા શેખ, ઇમરાન અહેમદ ખાનને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોરીનો ભેદ ખુલ્યો હતો.
મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ : પકડાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા નવસારીમાં એક યુવાનને ટાર્ગેટ કર્યો હતો. આ યુવાનને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી મુસાફરના સ્વાંગમાં બેસેલા ચોર ઈસમે તેના પેન્ટના ખિસ્સામાંથી 15 હજાર તફડવ્યા હતા. સાથે જ શહેરમાંથી અલગ અલગ જગ્યાએ કરેલી દસ ચોરીઓ કબૂલી હતી.
અનેક શહેરોમાં કરી ચોરી : પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તપાસ કરતા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. જેમાં આરોપીએ નવસારી સહિત ચીખલી વલસાડ વાપી સુરત અંકલેશ્વર ભરૂચ નર્મદા અને અમદાવાદ જેવા શહેરોમાં મુસાફરોના સ્વાંગમાં અન્ય મુસાફરોના રોકડ રૂપિયા અને મોબાઈલ ચોર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ આરોપીઓ પાસેથી ₹2,00,000 ની રીક્ષા 20 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 2.21 લાખનો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Navsari crime news: પાલનહાર માતા પિતાએ બાળકોની હત્યા કરી પોતે પણ કરી લીધો આપઘાત
કેવી રીતે ચોરીને અંજામ આપતા હતા : પોલીસ દ્વારા પકડાયેલા આ આરોપીઓ મૂળ સુરતમાં રહેતા હતા અને તેઓ ચોરી કરવા માટે સુરતની રીક્ષા પોતે ભાડે ફેરવવાના હોય તે પ્રમાણેનું આયોજન કરી ચોરી કરવા માટે નીકળતા હતા. જેમાં આ ટોળકીના બે સભ્ય રીક્ષામાં પાછળના ભાગે મુસાફરના સ્વાંગમાં બેસતા હતા અને બેંક હોય કે એટીએમ ત્યાં જઈ તેઓ રેકી કરતાં હતાં. જે ગ્રાહક બેંક કે એટીએમમાંથી રોકડા લઇ બહાર નીકળી રીક્ષાની શોધ કરતો હોય એવા વ્યક્તિને ટાર્ગેટ કરીને તેને રીક્ષામાં બેસાડતા હતાં. ત્યારબાદ મુસાફરના સ્વાંગ બેસેલા પાછળ બે ઈસમો તેની નજર ચૂકવી મોબાઈલ કે રોકડ રકમ તફડાવી લેતા હતાં.
પોલીસ અધિકારીની પ્રતિક્રિયા :સમગ્ર મુદ્દે નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી આ ગેંગની ઘણી ફરિયાદો મળતા પોલીસે સતર્ક બની સીસીટીવી કેમેરા અને પોલીસ કંટ્રોલ રૂમના નેત્રમ કેમેરાના આધારથી આ રીક્ષાને શોધી કાઢવામાં આવી હતી અને ત્રણ આરોપીઓને આ રીક્ષા સાથે ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન નવસારી સહિત ઘણા જિલ્લાઓમાં પણ આ ઈસમોએ મુસાફરના સ્વાંગમાં ચોરીને અંજામ આપ્યાનું બહાર આવ્યું છે. તેથી પોલીસે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.