- નવસારી બહાર આવન-જાવન કરનારાઓને કારણે કોરોના સંક્રમણ વધવાનું અનુમાન
- કોરોનાને કાબૂમાં લેવા તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે સાવચેતી
- જિલ્લામાં 4 દિવસમાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
નવસારી : જિલ્લામાં ગત એક મહિનામાં કોરોનાએ ગતિ પકડી છે. સતત કોરોના સંક્રમણના કેસમાં વધી રહ્યા છે, જેમાં રવિવાર સવાર સુધીમાં જ નવસારીમાં 13 લોકો કોરોના સંક્રમિત થતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેની સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,683 થઈ છે. જ્યારે રવિવારે એક શિક્ષિકા સહિત 3 વ્યક્તિઓએ કોરોનાને હરાવતા તેમને રજા આપવામાં આવી હતી. હાલમાં જિલ્લામાં 68 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ગત 4 દિવસોના કોરોના સંક્રમિતોના આંકડા જોઈએ, તો 11 કેસની દૈનિક સરેરાશ સાથે 44 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો -નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
સુપર સ્પ્રેડર એવા ફેરિયાઓનું ટેસ્ટિંગ શરૂ કરાયું
નવસારીમાં વધતા કોરોના કેસોને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. કોરોનાનો જ્યાં વિસ્ફોટ થઈ રહ્યો છે, એવા સુરતમાં જતા-આવતા લોકો, શાકભાજી વેચતા ફેરિયાઓ, હોટલના કર્મચારીઓ, ભીડવાળા વિસ્તારોમાં કામ કરતા લોકોને સુપર સ્પ્રેડર તરીકે ગણીને આરોગ્ય વિભાગ દ્વારા એમના રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જિલ્લાની સરહદો અને મહારાષ્ટ્ર જોડાયેલી જિલ્લાના વાંસદા તાલુકાના બીલમોડા ગામની સરહદે ચેકપોસ્ટ બનાવી આરોગ્ય વિભાગ પોલીસ સાથે મળીને વાહન ચેકિંગ કરી કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો કરી રહ્યું છે.