- બુલેટ ટ્રેનમાં એક વીઘાનું 91 લાખ, જ્યારે એક્સપ્રેસ વેમાં એક વીઘાનું 7 લાખ વળતર
- વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેમાં 392 હેક્ટર જમીન, સામે કુલ 464 કરોડ વળતર ચુકવાશે
- નવસારીના અસરગ્રસ્તોએ વળતર વધારવા સરકારમાં ન્યાયિક લડાઈ છેડી
નવસારી : દક્ષિણ ગુજરાતમાંથી એક પછી એક રાષ્ટ્રીય પરિયોજનોમાં સેંકડો હેક્ટર ઉપજાઉ જમીન સંપાદિત થઈ રહી છે. જેમાં અવાસ્તવિક જંત્રીને કારણે લાંબા સમયથી અટવાયેલો બુલેટ ટ્રેન પ્રોજેકટ વીઘાના 91 લાખ રૂપિયાનું વળતર જાહેર થતા આગળ વધ્યો છે. પરંતુ એની સમાંતર બનવા જઇ રહેલા એક્સપ્રેસ વેમાં જુની જંત્રીને આધારે વીઘાના ફક્ત 7 થી 12 લાખ રૂપિયાનું વળતર ચુકવતા અસરગ્રસ્તો ખેડૂતો નિરાશ થયા છે અને વળતર વધારવા ન્યાયિક લડાઈ છેડી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂતોએ વળતરનો વિરોધ નહીં કરી, સંમતિ આપી હતી.
22 ગામ, 209 હેક્ટર જમીન સંપાદિત, 256 કરોડનું વળતર ચુકવાયું
નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇ-વે નં. 48 ને સમાંતર વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વે પ્રોજેકટ આરંભ્યો છે. જેમાં જમીન સંપદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં એક્સપ્રેસ-વેને ગતિ મળી છે. નવસારી જિલ્લામાં 22 ગામોની કુલ 392 હેક્ટર જમીન એક્સપ્રેસ-વેમાં સંપાદિત કરી અસરગ્રસ્તોને કુલ 464 કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના ગામોની અવાસ્તવિક જંત્રીને આધારે વળતર નક્કી કરી, ફાઇનલ એવોર્ડ આપવાનું શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં 209 હેક્ટર જમીન સંપાદિત કરી, અસરગ્રસ્તોને 256 કરોડ રૂપિયાનું વળતર પણ ચુકવાઈ ગયું છે અને ફક્ત 182 હેક્ટર જમીનનું સંપાદન બાકી રહ્યું છે. ત્યારે વળતર મુદ્દે સંમતિ આપ્યા બાદ નવસારીના કેટલાક અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધનો સુર છેડયો છે. જેનું કારણ એક્સપ્રેસ-વેથી થોડા કિલોમીટર દૂર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોને પ્રતિ વીઘાના 91 લાખ રૂપિયા મળી રહ્યા છે.