નવસારી: કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારત થંભી ગયું છે. જેમાં હાઇ-વે પર ચાલતી આવશ્યક વસ્તુઓ સિવાયની વસ્તુઓ ભરેલી ટ્રકોના પૈડા પણ થંભી જતા નવસારી જિલ્લામાં અંદાજે 500થી વઘુ ડ્રાઈવર-ક્લીનરો પણ હાઇવેની હોટલોના પાર્કિંગમાં અટકી પડ્યા છે. જેમનું રાશન પાણી પુરૂ થવા સાથે હોટલો પણ બંધ હોવાથી તેમને ખાવાની ચિંતા હતી. પરંતુ નવસારીના તેલાડા ગામના મુસ્લિમ યુવાનોએ માનવતાના ફરિશ્તા બની આ અટકી પડેલી ટ્રકોના ડ્રાઈવર અને ક્લીનરોને જમવાનું પહોંચાડ્યું હતું.
નેશનલ હાઈ-વે પર ફસાયેલા ટ્રક ડ્રાઈવર્સ માટે મુસ્લિમ યુવાનોએ કરી જમવાની વ્યવસ્થા વિશ્વમાં વકરેલા કોરોનાને હરાવવા સરકારે એક શહેરમાંથી બીજા શહેરમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પાર પ્રતિબંધ લગાવી દેશને તાળેબંધી કરી છે. જેને કારણે દેશના હરિયાણા, રાજસ્થાન, જમ્મુ, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી અલગ-અલગ સામાન લઈ ગુજરાતમાં આવેલા ટ્રકોના પૈંડા પણ ઠંભી ગયા છે. જેના કારણે બે-ત્રણ દિવસનું જ રાશન હોવાથી ટ્રકોના દ્રાઈવર અને ક્લીનરની સ્થિતિ કફોડી બની હતી. બીજી તરફ હોટલો પણ બંધ થતા તેમને ખાવા-પીવાથી લઇ અન્ય સમસ્યાઓ ઉભી થતા તેઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના તેલાડા ગામના મુસ્લિમ યુવાનોએ અલ્લાહની બંદગી બાદ આવેલા વિચારને જીવંત કરી, નવસારી હાઈ-વે પાર અટકી પડેલા ટ્રકોના દ્રાઈવરો અને ક્લીનરો માટે ફાળો ભેગો કરી અને ગામમાંથી અનાજ મેળવી તેમના જમવાની વ્યવસ્થા ગોઠવી છે. યુવાનો દાળ-ભાત બનાવી ટેમ્પોમાં હાઈ-વેની હોટલોમાં ફરે છે અને ટ્રક દ્રાઈવરો અને ક્લીનરોને જમાડી રહ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લાના મો. કિફાયત મલિક તેમજ તેમની સાથેના અન્ય ટ્રક દ્રાઈવરો અને ક્લીનરો સુરતના હજીરા જઇ રહ્યા હતા. પરંતુ ભારત સરકારે લોક ડાઉન જાહેર કરતા તેઓ નેશનલ હાઈ-વે નં. 48 પર નવસારી જિલ્લાના ધોળાપીપળા ગામ નજીકની હોટલના પાર્કિંગમાં અટકી પડ્યા છે. બે દિવસ પોતાનું રાશન અને હોટલમાં જમતા હતા, પણ બાદમાં હોટલ બંધ થતા તેમને ખાવાની ચિંતા વધી હતી. પરંતુ તેલાડા ગામના યુવાનો દ્વારા તેમને જમવાનું પહોંચાડવા સાથે જ તેમને ચા-નાસ્તા અને પાણીની વ્યવસ્થા પણ કરતા જાણે તેઓ પોતાના જ ઘરે હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે. જ્યારે કોરોના સામેની લડાઈમાં મોદી સરકારનું સમર્થન પણ કરી રહ્યા છે. કોરોનાના કહેરની સામે લોકો માટે ઘરે જ રહેવું હિતાવહ છે. આવા સમયમાં હાઈ-વે પર ફસાયેલા ટ્રક દ્રાઈવરો અને ક્લીનરો માટે જમવાનું પહોંચાડતા તેલાડાના મુસ્લિમ યુવાનો જેવા સમાજ સેવકોની સંવેદનાથી તેઓ માનવતાના ફરિશ્તા બન્યા છે.