નવસારી: કોરોના મહામારીના કપરા કાળમાં જ્યાં મનુષ્યોને ભોજનની તકલીફ વેઠવી પડે છે, ત્યાં અબોલ પશુઓને ચારો અને પંખીઓને ચણ નાંખનારા હાથ પણ ઓછા થયા છે. ત્યારે બીલીમોરાના સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યાં જરૂરિયાતમંદો માટે રસોડા ખુલ્લા મુક્યા હતા અને ખાદ્ય કીટોનું વિતરણ કર્યું, ત્યાં અબોલ પશુઓ અને પંખીઓને બચાવવા પાણી, ઘાસચારો, ચણ અને ખોરાકની પણ વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
બીલીમોરા શહેરનું સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ સામાન્ય દિવસોમાં પણ અનેક સેવાકીય પ્રવૃતિઓથી જોડાયેલું રહે છે. ત્યારે કોરોનાના રાક્ષસને નાથવા જાહેર થયેલા લોકડાઉનમાં શહેરમાં કોઈ ગરીબ કે જરૂરીયાતમંદ ભુખ્યા ન રહે એ માટે રસોડુ શરૂ કર્યુ હતું. સાથે જ ખાદ્ય કીટો બનાવીને તેનું વિતરણ પણ કરી રહ્યા છે.
જયારે લોકડાઉનમાં શાક માર્કેટ, હોટેલ સહિત અનેક ધંધા બંધ થતાં અબોલ જીવોને ખોરાક મેળવવામાં મુશ્કેલી સર્જાઈ છે. જેનો વિચાર કરી સ્વસ્તિક ટ્રસ્ટે અબોલ જીવોની પરિસ્થિતિ નજીકથી જોઈ જાણી અને શહેરભરમાં રસ્તે રઝળતી 500 જેટલી ગાય, વાછરડા અને શ્વાનને દૂધ ચોખાની ખીર, શેરડીના પીલા, જુવાર, મકાઇ, તુવેર ચુની તથા ઘાસચારો ખોરાક રૂપે આપવાનું શરૂ કર્યું છે.
સાથે જ પક્ષીઓ માટે પણ પાણી અને ચણની વ્યવસ્થા કરાઈ છે. સ્વસ્તિક ટ્રસ્ટના આ અબોલ જીવોના સેવા યજ્ઞમાં યુથ બીલીમોરાની હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા મેઘા ચિરાગ પટેલ (યુ.એસ.એ) નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ સેવાકાર્યમાં ઝુબિન બામજી, રાજ શાહ, સોહમ ભંડારી, તિલક કંસારા, નિરવ ટેલર, યતીન પટેલ, કૃણાલ ટેલર, સહિતના કાર્યકર્તાઓ રાત્રી દરમિયાન અબોલ પશુઓને ભોજન કરાવવા સહયોગ આપી રહ્યા છે.