નવસારી: ભારતમાં કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં તાળાબંધી કરાઈ છે. સાથે જ સરકાર દ્વારા રાજ્ય, જિલ્લા અને ત્યારબાદ ગામ અને શહેરોની સરહદને પણ બંધ કરી દેવાઈ છે. જેના કારણે નવસારી જિલ્લામાં શ્રમિકોનું કામ બંધ થયા બાદ તેમને ખાવા-પીવાની સમસ્યા સર્જાતા પોતાના વતન તરફ જવા પગપાળા નીકળ્યા હતાં. આ શ્રમિકોને તંત્ર દ્વારા રોકવામાં આવ્યા હતાં.
નવસારીમાં પરપ્રાંતિય શ્રમિકો માટે બે શેલ્ટર હોમ શરૂ કરાયા - નવસારીમાં લોકડા
નવસારી જિલ્લામાંથી હિજરત કરી જતા શ્રમિકોને રોકવા માટે નવસારી વહીવટી તંત્ર દ્વારા બે શેલ્ટર હોમ શરુ કરાયા છે. જેમાં 38 વ્યકિતઓને આશરો અપાયો છે. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ શેલ્ટર હોમની મૂલાકાત લઈ તેમના માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
રાજ્ય સરકારના માર્ગદર્શનમાં આ શ્રમિકોની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ સરકારી અને ખાનગી બસોમાં તેમના વતન મોકલ્યા હતા. તેમ છતાં પણ કેટલાક શ્રમિકો નવસારીમાં અટવાઈ પડ્યા હતા. જેઓ પગપાળા વતન જવા નીકળતા પોલીસે તેમને અટકાવી તેમના પડાવ પર મોકલ્યા હતા. પરંતુ વતન જવાની જીદે ચઢેલા શ્રમિકો તંત્રથી છુપાઈને ફરી વતન જવા પગપાળા નીકળતા હતાં.
ચુસ્ત બંદોબસ્તને કારણે તેઓ પોલીસને હાથે ઝડપાઇ જતા હતા અને તેમને પરત તેમના પડાવ પર છોડવામાં આવતા હતા. દરમિયાન સરકારે જે જ્યા છે, ત્યાં જ તેમની વ્યવસ્થા કરવાની તંત્રને જાણ કરતા જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં 20 જગ્યાઓએ શેલ્ટર હોમ ચિહ્નિત કર્યા છે. જેમાંથી હાલ નવસારીના ઇટાળવા ગામે આવેલા આદિવાસી કુમાર છાત્રાલયમાં અને વાંસદા ખાતે બે શેલ્ટર હોમ શરૂ કરાયા છે.