નવસારી:નવસારી જિલ્લાના ગણદેવી અને જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવાને લઈને જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં ગણદેવી અને જલાલપુર તાલુકાના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
18 ગામના ખેડૂતો અસરગ્રસ્ત:18 ગામડાઓના અસરગ્રસ્ત ખેડૂતો એકજૂઠ થઈ શ્રી મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિની રચના કરી છે. મરોલીમાં આવેલા કોળી પટેલ સમાજની વાડીમાં આ વિસ્તારના તમામ 18 ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનોએ બેઠક કરી છે. એક જૂથ થઈ પાવર ગ્રીડ હાઈટેન્શન લાઈન ખેતી અને બાગાયતી વિસ્તારમાંથી નહીં પણ કાંઠાના કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (crz) વિસ્તારમાંથી લઈ જવામાં આવે એવી માંગ કરી છે.
ઉગ્ર આંદોલનની ચીમકી:અગાઉ પણ આ મુદ્દે બેઠક કરવામાં આવી છે જેમાં જિલ્લાના પ્રાંત અધિકારી અને એજન્સીના અધિકારીઓ સાથેની વાતચીતની બેઠકમાં આ હાઈટેન્શન લાઈન ખારપાટ વિસ્તારમાંથી લઈ જવામાં આવે એવી વાત નક્કી કરવામાં આવી હતી પરંતુ એજન્સીએ ફરી એ જ જગ્યા પર પોતાની કામગીરી શરૂ કરતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર આ સમસ્યાનો યોગ્ય ઉકેલ ન લાવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.