નવસારી: રાજ્યમાં હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાતો નવસારી જિલ્લો બાગાયતી પાકોનો બગીચો છે. જિલ્લામાં ડાંગર અને શેરડીના મબલખ ઉત્પાદન બાદ સૌથી વધુ ફળપાકોની ખેતી કરવામાં આવે છે. જેમાં ફળોનો રાજા કેરી અને ચીકુ મુખ્ય છે. ઉનાળા દરમિયાન આ બંને ફળપાકોની સિઝન પુર બહારમાં ખીલી ઉઠતી હોય છે. અને તેજ વેળાએ કુદરત કોપાયમાન થઈ છે.
વાતાવરણની સીધી અસર પાક પર:ફેબ્રુઆરી માસથી શરૂ થયેલ ભારે ગરમી અને ત્યારબાદ માવઠાના માર સાથે સતત બદલાઈ રહેલા વાતાવરણની સીધી અસર શાકભાજી, કેરી અને ચીકુના પાકને થઈ રહી છે. ફળ પાકોમાં ફૂગ લાગવી, કીટકોનું પ્રમાણ વધવુ સાથે ફળ વૃક્ષ ઉપર જ પાકી જઈ ખરી પડવાને કારણે ફળપાકોની ખેતી કરતો ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાયો છે.
ઉત્પાદન ઘટે તેવી સ્થિતિ: નવસારી જિલ્લામાંથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ સહિત આરબ દેશો અને યુરોપના દેશો કેરીની નિકાસ કરાય છે. બીજી તરફ દિલ્હી, બિહાર, પંજાબ, હિમાચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં નવસારી જિલ્લાના ચીકુની ભારે માંગ રહે છે. ફળપાકોના ઉત્પાદનના આંકડા જોઈએ તો નવસારી જિલ્લાના છ તાલુકાઓમાં ચાલુ વર્ષે 34,203 હેકટરમાં કેરીના ઝાડ છે. જ્યારે ચીકુના વૃક્ષો 7953 હેકટર વિસ્તારમાં છે. જ્યારે શાકભાજી પાક 1100 હેકટરમાં અને શેરડી 17-18 હાજર હેકટરમાં કરવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં 88,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જ્યારે 68,000 મેટ્રિક ટન ચીકુનું ઉત્પાદન નોંધાયું હતું. જેમાં હાલ વાતાવરણની ગંભીર પરિસ્થિતિ જોતા ઉત્પાદન દસથી પંદર ટકા ઘટે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી