નવસારી : કોરોના મહામારી જાહેર થયા બાદ ભારત સરકારે જાહેર કરેલા લોકડાઉનને બે મહિના વીત્યા છે. પરંતુ લાંબા લોકડાઉનમાં બંધ રહેલા ઉદ્યોગ, વેપાર અને ધંધાને કારણે ગરીબો બાદ મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ વિકટ બની છે. નોકરી પર ઘર ચલાવતા મધ્યમ વર્ગીય પરિવારોને વેરા, બિલ, હપ્તા ભરવા સાથે જ ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેને ધ્યાને લઇ મંગળવારે નવસારી કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા અધિક કલેક્ટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કોરોનાના કપરા કાળમાં સ્કુલ ફી, વીજ બીલ માફ કરવાની કોંગ્રેસની માગ
કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં નોકરી, ધંધા બંધ રહેવાને કારણે લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિ સમજી વીજ બિલ અને પ્રથમ સત્રની સ્કુલ ફી માફ કરે, તેમજ ખેડૂતોને પણ ધિરાણના હપ્તામાં રાહત મળેની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા મંગળવારે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નવસારી કોંગ્રેસ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર
જેમાં તેમણે કોરોના કાળમાં આર્થિક તંગી સહન કરી રહેલા મધ્યમ વર્ગીય પરિવારોને રાહત મળી રહે એ માટે, વીજ બિલ તેમજ પ્રથમ સત્રની સ્કુલ ફી માફ કરવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોએ ખેતી માટે લીધેલા ધિરાણના હપ્તામાં રાહત આપવાની માંગણી પણ કરી હતી. કોંગ્રેસીઓના આવેદનપત્રને સ્વીકાર્યા બાદ જિલ્લા અધિક કલેક્ટરે તેમની રજૂઆતને સરકારમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.